વડોદરાના વાતાવરણમાં પલટો : મોડી રાત્રે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છાંટા
વડોદરા,તા.2 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરામાં દિવસભર વાદળીયું વાતાવરણ ગઈકાલે રહેતા સુરજદાદાના દર્શન થયા હતા. શહેરના કેટલાક વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી છાંટા પડતા આજે સવારથી શહેરમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે.
દિવાળી નવા વર્ષના તહેવારો બાદ ઠંડીના ચમકારાથી તાજેતરમાં વડોદરા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ભારે પવન ફુકાયો હતો. ત્યારબાદ સતત વાદળછાયુ વાતાવરણ સતત જોવા મળી રહ્યું હતું. જેમાં ગઈકાલે દિવસભર વાદળીયું વાતાવરણ પણ રહેતા સુરજદાદાના દર્શન થયા હતા. વાતાવરણમાં એકાએક પલટો આવવાથી અને તાપમાનનો પારો ગગડતા શહેરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. જેથી આજે વહેલી સવારે 20 ડિગ્રી સેલ્સિયસ અને પવનની ગતિ પ્રતિ કલાક 14 કિ.મી. ની રહી હતી. પરિણામે આજે ઠંડીનો ચમકારો જણાતાં વહેલી સવારે નોકરી અને કામ ધંધે વાહન પર જનારા લોકોને ઉની વસ્ત્રો પહેરીને નીકળવાની ફરજ પડી હતી.