જેટકોની પરીક્ષા રદ કરવાના નિર્ણય સામે વિધાનસભાનો ઘેરાવ કરીશું, રજૂઆત બાદ યુવરાજસિંહનુ નિવેદન
વડોદરા,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવાના જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે ત્યારે તેમના વતી વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પણ જેટકો ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
ઉમેદવારોને સાથે રાખીને તેમણે જેટકોના એચઆર વિભાગના જનરલ મેનેજર સાથે બેઠક કરી હતી.એ પછી તેમણે કહ્યુ હતુ કે, જેટકોના એમડીને અમે મળવા માટે ગયા હતા પણ એમડી મળ્યા નહોતા.આથી અમે આવેદનપત્ર આપ્યુ નથી.અમે જેટકોના એમડીને આવેદનપત્ર આપ્યા વગર પાછા જવાના નથી.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, જેટકોના અધિકારીઓ ફરી પરીક્ષા લેવા માટે તૈયાર નથી.તેઓ સમજવા તૈયાર નથી કે, સમગ્ર મામલામાં ઉમેદવારોની કોઈ ભૂલ નથી.પોલ ટેસ્ટમાં ગેરરીતિ કે ગરબડ થઈ હોય તો તે માટે અધિકારીઓ જવાબદાર છે અને તેમની ભૂલનુ પરિણામ વિદ્યાર્થીઓ ભોગવે તે યોગ્ય નથી.આ મામલે જલદ આંદોલન કરાશે અને જરુર પડી તો ઉર્જા મંત્રીના ઘર તેમજ ગુજરાત વિધાનસભાનો પણ ઘેરાવ કરવામાં આવશે.
વધુ વાંચો : ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણય સામે રોષ, જેટકોની વડોદરા ઓફિસ બહાર ઉમેદવારોના ધરણા અને દેખાવો