વેપારીઓએ ગૃહ મંત્રીને કહ્યું કે, અમને વડોદરાના શાસકો પર ભરોસો જ નથી

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
વેપારીઓએ ગૃહ મંત્રીને કહ્યું કે, અમને વડોદરાના શાસકો પર ભરોસો જ નથી 1 - image

વડોદરાઃ વિશ્વામિત્રીમાં આવેલા પૂરના કારણે તબાહ થયેલા વડોદરામાં ભાજપ સરકારના થઈ રહેલા ભારે વિરોધ વચ્ચે આજે ફરી એક વખત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન તેમણે વેપારી સંગઠનો અને ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી અને તેમાં વેપારીઓ અને ઉદ્યોગોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

વેપારી સંગઠને તો કહ્યું હતું કે, અમને વડોદરાના તંત્ર પર ભરોસો જ નથી.વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના આગેવાનોએ હૈયા વરાળ ઠાલવીને વડોદરાના લોકોના રોષનો પડઘો પાડતા ગૃહ મંત્રીને જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ વચ્ચે સંકલનની ખામી છે.જેના કારણે વેપારી આલમ પણ પિસાઈ રહી છે.કોઈ અમારા ફોન પણ ઉપાડતું નથી.ઉલ્ટાનું શાસકો વેપારીઓ પર દાદાગીરી કરે છે.

આ બેઠકમાં વડોદરાના વીસીસીઆઈ સહિત વિવિધ જીઆઈડીસીઓના ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.ઔદ્યોગિક આલમના આગેવાનોએ માગણી કરી હતી કે, ઉદ્યોગોને પૂરના કારણે ભારે નુકસાન થયું છે.અત્યારની પરિસ્થિતિને જોતા ઉદ્યોગોને ૨૦૨૪-૨૫માં મ્યુનિસિપલ ટેકસ અને પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવામાં આવે.

સાથે સાથે ઉદ્યોગોએ જીઆઈડીસીઓમાં પાયાની  સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, સફાઈ અને વીજળી સપ્લાયના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ રજૂઆત કરી હતી તેમજ ઈન્સ્યોરન્સ કંપનીઓ નુકસાનના દાવાઓનો વહેલી તકે નિકાલ લાવે.

સર્વેની કામગીરી ઝડપી બનાવવા કંપનીઓને તાકીદ

ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે અત્યાર સુધીમાં ૧૪૫૦ ક્લેઈમ આવ્યા 

ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા નુકસાનના ક્લેમનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી રજૂઆતો બાદ ચાર સરકારી તેમજ બીજી ખાનગી ઈન્સ્યોરન્સ કંપનીઓના પ્રતિનિધિઓની એક બેઠક બોલવવામાં આવી હતી.સાથે સાથે તંત્ર દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે સરકારી વીમા કંપનીમાં ૮૫૦ અને ખાનગી કંપનીઓમાં ૬૦૦ જેટલા ક્લેઈમ અત્યાર સુધીમાં આવ્યા છે.સાથે સાથે વીમા કંપનીઓને સર્વેની કામગીરી ઝડપી બનાવવા માટે સૂચના આપવામાં આવી છે.જોકે વીમા કંપનીઓ સમક્ષ આગામી દિવસોમાં રજૂ થનારા દાવાઓની સંખ્યા વધશે.કારણકે શહેરમાં હજારો કારોને નુકસાન થયું છે.વીમા કંપનીઓને કરોડો રુપિયાનુ વળતર ચુકવવાનો વારો આવશે.

ટેકસની ૭૫ ટકા રકમ મકરપુરા જીઆઈડીસી પાછળ વાપરવામાં આવે

મકરપુરા જીઆઈડીસી કોર્પોરેશનની હદમાં આવે છે અને  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉદ્યોગો પાસે ટેક્સ વસૂલવામાં આવે છે.વીસીસીઆઈ દ્વારા ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, ટેક્સની રકમમાંથી ૭૫ ટકા રકમ મકરપુરા જીઆઈડીસીના વિકાસ કાર્યો માટે પારવામાં આવે તેવી માગ લાંબા સમયથી પેન્ડિંગ છે.વીસીસીઆઈના હિમાંશુ પટેલે કહ્યું હતું કે, ગૃહ મંત્રીએ આ માગણીનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર પણ કર્યો છે.

કોર્પોરેશનનો હાસ્યાસ્પદ દાવો, ખાડા પૂરવાની ૭૦ ટકા કામગીરી પૂરી 

લોકો પૂર બાદ ધોવાયેલા રસ્તા પર હાડકા  ખોખરા થવાનું જોખમ લઈને વાહનો ચલાવી રહ્યા છે ત્યારે કોર્પોરેશને એવો હાસ્યાસ્પદ દાવો કર્યો છે કે, રોડ- રસ્તાઓનું ૭૦ ટકા સમારકામ પુરુ કરાયું છે અને આ માટે ૨૦૦૦ મેટ્રિક ટન મટિરિયલનો ઉપયોગ કરાયો છે.ખાડા પૂરવાની કામગીરી માટે ૨૮ જેસીબી, ૨૯ ડમ્પર, ૪૬ ટ્રેકટરોનો ઉપયોગ કરાયો હતો અને રાઉન્ડ ધ ક્લોક આ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

સર્વેમાં પાંચ વેપારીઓ અને જીએસટી અધિકારીઓને સામેલ કરવામાં આવે 

વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના આગેવાનો પરેશ પરીખ તેમજ રમેશ પટેલે  માગ કરી હતી કે, નુકસાની માટેના સર્વેમાં વડોદરાના પાંચ વેપારીઓ અને જીએસટી તથા ઈનકમટેક્સના અધિકારીઓને સામેલ કરવામાં આવે.વડોદરાના ૯૦ ટકા વેપારીઓ પાસે વીમો નથી અને હજારો વેપારીઓ બરબાદ થઈ ગયા છે ત્યારે તેમને સહાય આપવા માટે સરકાર નક્કર  કાર્યવાહી કરે.


Google NewsGoogle News