Get The App

અમે તમને ડિજિટલી એરેસ્ટ કરીએ છીએ, તમારે એક રૃમમાં લોક થઇ જવું પડશે

તમારા નામના ફેક બેન્ક એકાઉન્ટમાં ૬.૮૦ કરોડનું મની લોન્ડરિંગ થયું છે

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
અમે તમને ડિજિટલી એરેસ્ટ કરીએ છીએ, તમારે એક રૃમમાં લોક થઇ જવું પડશે 1 - image

વડોદરા,શિક્ષિકાને ધમકાવી તેમના પર ખોટા આરોપ મૂકી ડિજિટલી એરેસ્ટ કરી ૧ લાખ ગૂગલ પેથી ટ્રાન્સફર કરાવી પડાવી લેવાના કેસમાં કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર પ્રથમ રેસિડેન્સીમાં રહેતી શિક્ષિકા રીના ઢેકાણેએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરૃં છું. મારા પતિ સાંઇ અશોકભાઇ ઢેકાણે ખાનગીં કંપનીમાં નોકરી કરે છે.  ગત તા. ૨૪ મી ઓગસ્ટે હું ઘરે હતી. સવારે ૯ વાગ્યે મારા મોબાઇલ પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મને કહ્યું કે, હું મોહન  પાલ ફ્રેડએક્સ કુરિયર કંપનીમાંથી વાત કરૃં છું. તમારા નામથી મુંબઇથી થાઇલેન્ડ અનધિકૃત પાર્સલ જઇ  રહ્યું છે. આ પાર્સલ નેરિસ નામની વ્યક્તિને થાઇલેન્ડ મોકલ્યું છે. તે પાર્સલમાં એક લેપટોપ, ૩ પાસપોર્ટ, પાંચ સીમકાર્ડ, ૪ કિલો કપડા અને ૧૪૦ એમ.ડી.છે. મેં કહ્યું કે, આવું કોઇ પાર્સલ મોકલ્યું નથી. તેણે મને કહ્યું કે,  આ પાર્સલ ગેરકાનૂની છે. તમે શંકાસ્પદ વ્યક્તિ છો. જેથી, તમારે તાત્કાલિક મુંબઇ સી.બી.આઇ. ખાતે પૂછપરછ માટે આવવું પડશે. મેં એવું કહ્યું કે, હું વડોદરા છું. મુંબઇ આવવું શક્ય નથી. તેણે સી.બી.આઇ. ઓફિસરને કોલ ટ્રાન્સફર કરવાનું કહી કોલ ટ્રાન્સફર કર્યો હતો. થોડીવાર પછી મારા મોબાઇલ પર વીડિયો કોલ આવ્યો હતો. સામેથી વાત કરનાર વ્યક્તિએ કહ્યું કે, ક્રાઇમ બ્રાંચથી સી.બી.આઇ. ઓફિસર રોહિત મિશ્રા બોલું છું. તમારા આધાર કાર્ડનો દુરૃપયોગ થઇ રહ્યો છે.તે નંબરથી કોઇને અનધિકૃત પાર્સલ મોકલ્યું છે. તમારા નામથી એચ.ડી.એફ.સી.બેન્કમાં ફેક બેન્ક એકાઉન્ટ ઓપન થયું છે. તેમાં ૬.૮૦ કરોડનું મની લોન્ડરિંગ થયું છે. તમારો કેસ હમણા તપાસમાં છે. જેથી, તમારે હમણા કોલ ચાલુ રાખવાનો છે. જ્યાં સુધી તપાસ ચાલુ છે. ત્યાં સુધી અન્ય કોઇને કોલ કરવો નહીં. આ વાત કોઇની સાથે શેર કરવી નહીં. અમે તમને ડિજિટલી એરેસ્ટ કરીએ છીએ. તમે તમારૃં કામ કરી શકો છો. અમારી તપાસ ચાલુ છે. તમારે એક રૃમમાં લોક થઇ જવું પડશે. મારા બાળકો સ્કૂલેથી આવતા તેઓને અન્ય રૃમમાં મૂકી હું બીજી રૃમમાં લોક થઇ ગઇ હતી. 

ત્યારબાદ તેઓએ મારી પાસે સ્કાઇપી એપ્લિકેશન પર એકાઉન્ટ ખોલાવડાવ્યું હતું. તેમણે તપાસના ભાગ રૃપે પૈસા ટ્રાન્સફર કરવાનું કહી યુ.પી.આઇ.આઇ.ડી. આપ્યો હતો. હું ગૂગલ પે થી રૃપિયા ૧ લાખ  ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેણે કહ્યું કે, હવે તપાસ કરીશું અને તમારા પૈસા પરત કરી દઇશું. તેણે કોલ કટ કરી દીધો હતો. ત્યારબાદ મને લાગ્યું કે મારી સાથે ફ્રોડ થયું છે. જેથી, મંે ફરિયાદ કરી છે.


Google NewsGoogle News