વડોદરામાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ : પાણીની લાઈન તૂટતા અને એર વાલ્વ ખોલી પાઇપનું સ્કાવરિંગ કરતા પાણીનો વેડફાટ
(ડાબેથી બુલેટ ટ્રેન ની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ અને સયાજી બાગ પાસે પાણીની લાઈનનો એર વાલ્વ ખોલ્યો )
વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરા શહેરમાં પંડ્યા બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ગઈ રાત્રે પાણીની મુખ્ય લાઈન તોડી નાખતા અને સયાજી બાગ પાસે પાણીની લાઈનનું સ્કાવરિંગ કરવાની કામગીરીને કારણે લાખો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો.
વડોદરા શહેરમાં એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ટ્રેનની ઝડપની જેમ કરવામાં આવી રહી છે ત્યારે તેના કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીને કારણે ગઈ રાત્રે વાસદ થી વડીવાડી પાણીની ટાંકી સુધી જતી મુખ્ય પાણીની લાઈન તૂટી ગઈ હતી. ગઈકાલે રાતથી તૂટી ગયેલી પાણીની મુખ્ય લાઈન આજે બપોર સુધી સમારકામ નહીં થવાને કારણે હજારો લિટર પાણીનો જથ્થો વેડફાઈ રહ્યો છે. જે અંગેની જાણ વડોદરા કોર્પોરેશનને થતા હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું.
આ અંગે વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન ગઈ રાત્રે 12:00 વાગે પાણીની મુખ્ય લાઈન તોડી નાખતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ.
એ જ પ્રમાણે વડોદરા શહેરમાં આવતા ગંદા પાણીને કારણે પોઇચા કુવા ઉપર પૂર્ણ થયેલી કામગીરી બાદ ગંદુ પાણી આવે નહીં તેને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં આવતી પાણીની મુખ્ય લાઈનોનું સ્કાવરિંગ કરવાની કામગીરી પાણી પુરવઠા વિભાગ તરફથી કરવામાં આવી રહી છે. આ કામગીરીને ધ્યાનમાં રાખી સયાજી બાગ પાસે થી પસાર થતી પાણીની મુખ્ય લાઈન પર મૂકવામાં આવેલો એર વાલ્વ ખોલવામાં આવ્યો હતો અને સતત અડધો કલાક સુધી તે ખુલ્લો રાખવાને કારણે હજારો લિટર પાણીનો જથ્થો રસ્તા પર વહેતો થયો હતો. જેને કારણે પણ હજારો લિટર પાણી વેડફાયું હતું ત્યારે બે મુખ્ય પાણીની લાઈનમાંથી હજારો લિટર પાણીનો જથ્થો વેડફાવાને કારણે શિયાળામાં પણ ચોમાસા જેવી પરિસ્થિતિ થઈ હતી.