પાઇપલાઇનમાં પંક્ચર પાડી કનેક્શન લીધું ત્રિનેત્ર પાર્ટી પ્લોટ અને શ્યામલ ગ્રીન સોસાયટી દ્વારા પાણીની ચોરી

ગ્રામીણ વિસ્તારની પાઇપલાઇનમાંથી ગેરકાયદે પાણી મેળવતાં પાર્ટી પ્લોટના માલિક અને સોસાયટીના હોદ્દેદારો સામે ગુનો

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
પાઇપલાઇનમાં પંક્ચર પાડી કનેક્શન લીધું  ત્રિનેત્ર પાર્ટી પ્લોટ અને શ્યામલ ગ્રીન સોસાયટી દ્વારા પાણીની ચોરી 1 - image

વડોદરા, તા.18 ગ્રામ્ય વિસ્તારના લોકો માટેની નલથી જલ યોજનાની પાઇપલાઇનમાં પંક્ચર પાડી અણખોલ ગામ પાસેના પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં બારોબાર પાણી ચોરીને તેનો ઉપયોગ કરતાં પાર્ટી પ્લોટના માલિક અને સોસાયટીના હોદ્દેદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પાણી પુરવઠા પેટા વિભાગ, વડોદરાની કચેરી તરફથી સરકારની નલસે જલ યોજના અંતર્ગત વડોદરા સાઉથ ઝોન યોજના હેઠળના ગામો કેલનપુર, તતારપુર, શંકરપુરા અને ખટંબા માટેની યોજના કેલનપુરથી અણખોલ સુધીના પાઇપલાઇન નાંખવામાં આવી છે. આ પાઇપલાઇનનું હેડવર્ક કેલનપુર ખાતે છે જ્યાંથી પાણીનો પુરવઠો તથા સપ્લાય કરવામાં આવે છે.

કેલનપુરથી અણખોલ સુધી પાણી પુરવઠાનું પાઇપલાઇનનું કામ પણ પૂરુ થતાં હવે પાઇપલાઇન દ્વારા અણખોલ સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં અણખોલ સહિતના ગામોમાં ઓછા પ્રેસરથી પાણી આવવાની ફરિયાદો ઉઠતાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ યોજના માત્ર ગ્રામીણ વિસ્તારની છે છતાં આ પાણીની લાઇનમાં અણખોલ ગામની સીમમાં આવેલ ત્રિનેત્ર પાર્ટી પ્લોટ, શ્યામલ ગ્રીન સોસાયટીના વહિવટકર્તા તથા પ્રમુખ અને સભ્યોએ પાઇપલાઇનમાં ગેરકાયદે કનેક્શન કરી પાણીની લાઇનને નુકસાન કર્યું હતું.

આ અંગે ગુજરાત પાણી પુરવઠા પેટાવિભાગના એન્જિનિયર મહેન્દ્ર ગોવંદ ચાવડાએ પાર્ટી પ્લોટના સંચાલક અને સોસાયટીના હોદ્દેદારો સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગ્રામીણ વિસ્તારની પાઇપલાઇનને નુકસાન પહોંચાડી સોસાયટીમાં તેમજ પાર્ટી પ્લોટમાં ગેરકાયદે પાણી લઇને પાઇપલાઇનમાં અણખોલ જતાં પાણીના પુરવઠામાં ઘટાડો કરી નાંખ્યો છે.




Google NewsGoogle News