વડોદરા-આજવા સરોવરને નર્મદા કેનાલમાંથી પાણી આપવાનું ચાલુ કરી દેવાયું
- આજવામાં રોજ 146 મિલિયન લિટર પાણી અપાઇ રહ્યું છે
વડોદરા,તા. 27 મે 2022,શુક્રવાર
વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પુરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરમાં નર્મદા કેનાલમાંથી ગઈ તારીખ 23 થી રોજનું 60 ક્યુસેક એટલે કે 146 મિલિયન લિટર પાણી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગઈ તારીખ 21 ના રોજ મુખ્યમંત્રી વડોદરા આવેલા હતા, ત્યારે તેમણે તારીખ 30 જૂન સુધી અથવા તો આજવા સરોવરમાં પાણી ન આવે ત્યાં સુધી ઉકત પાણીનો જથ્થો આપવાની જાહેરાત કરી હતી. આના લીધે આજવા સરોવરનું લેવલ પણ નહીં ઘટે અને શહેરના પૂર્વ તથા દક્ષિણ વિસ્તારને પૂરતું પાણી આપી શકાશે. હાલ આજવા સરોવરનું લેવલ 206.40 ફુટ છે. જો આ લેવલ 204 થી નીચે ઉતરી જાય તો પાણીની અછત સર્જાઈ શકે છે. આજવાથી કોર્પોરેશન દ્વારા રોજ ઊકત જથ્થો લેવામાં આવે છે, અને એટલું જ પાણી શહેરને નર્મદા કેનાલથી મળી રહ્યું છે. આ પાણી શહેર સુધી ગ્રેવિટી લાઈન મારફતે પ્રાપ્ત થઈ રહ્યું છે. પાણી વડોદરા નજીક રામપુરા ગામ ખાતે પસાર થતી વડોદરા બ્રાન્ચ કેનાલ દ્વારા આપવામાં આવે છે, અને 24 કલાક પાણીનો ફ્લો ચાલુ રહે છે. જોકે નર્મદા કેનાલનું પાણી લેવા બદલ વડોદરા કોર્પોરેશન અને દર એક હજાર લિટર એ રૂપિયા 4.69નો ચાર્જ ચૂકવવો પડશે. વડોદરામાં મુખ્યપ્રધાને તારીખ 21 ના રોજ પાણી આપવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ તારીખ ૨૩ થી આજવામાં પાણી છોડવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે.