વડોદરામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પોઇચા ફ્રેન્ચવેલ સહિત ત્રણ સ્થળે સમારકામ : ચાર લાખ લોકોને પાણી નહીં મળે
વડોદરા,તા.20 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદોમાં ઉતરોતર વધારો થતા કોર્પોરેશનને પોઇચા ફ્રેન્ચવેલ ખાતે તેમજ નાલંદા ટાંકી અને મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં સમારકામની કામગીરી હાથ ધરતા તારીખ 21 અને 22મીના રોજ ચાર લાખ લોકોને પાણી આપી શકાશે નહીં. જેને કારણે શહેરના પશ્ચિમ પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાશે.
શહેરના પશ્ચિમ વિસ્તારના ગોરવા આસપાસ સ્થાનિક રહીશોને માટીવાળું ડહોળું પાણી, પાર્ટીકલ્સવાળુ મળતું હોવાની વારંવારની ફરિયાદો મળી હતી. જેથી મહીસાગર નદી સ્થિર પોઈચા ફ્રેન્ચવેલ ખાતેના વાલ્વ મેન્ટેનન્સ તથા ફ્રેન્ચવેલ કુવાની સફાઈ કામગીરી કરવાની નક્કી કરાયું છે. જેથી આવતીકાલ તા.21 ગુરુવારે સવારે પાણી વિતરણ બાદ આ કામગીરી હાથ ધરવાની છે. જેથી વિસ્તારના બે લાખ જેટલા રહીશોને તા 21મીએ સાંજનું પાણી મળશે નહીં અને બીજા દિવસે તા 22મીને શુક્રવારે આ વિસ્તારમાં સાંજનું પાણી પણ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત તા.22મી એ ગોરવાના જુદા જુદા વિસ્તારમાં તા.22મીએ સાંજનું પાણી ઓછા દબાણથી અને ઓછા સમય માટે તથા મોડેથી આપવામાં આવશે. પરિણામે ગોરવાના જુદા જુદા વિસ્તારના અંદાજિત 2.50 લાખ લોકોને પાણીની તકલીફ ભોગવવી પડશે. આ અંગે જરૂરી વ્યવસ્થા કરવા પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોરવા સહિત આસપાસના વિસ્તારમાં માટીવાળું ડહોળું અને પાર્ટીકલવાળું પાણી છેલ્લા કેટલાય દિવસથી મળતું હોવા અંગેની રહીશોએ ઉગ્ર રજૂઆતો પાલિકા તંત્ર સમક્ષ કરી હતી. જેથી ગોરવા પાણીની ટાંકી, સુભાનપુરા બુસ્ટર, દશામાં મંદિર પાસે અને સુભાનપુરા ટાંકી ખાતેથી અપાતા પાણીમાં આ ફરિયાદ હોવાનું નિરાકરણ તપાસ દરમિયાન આવ્યું હતું. જેથી ગોરવા પાણીની ટાંકી સુભાનપુરા બુસ્ટર દશામાં મંદિર પાસે અને સુભાનપુરા ટાંકી ખાતે પાણી પુરવઠો પૂરો પાડતા મહીસાગર નદી સ્થિત પોઇચા ફ્રેન્ચવેલ ખાતેના વાલ્વ મેન્ટેનન્સ રેડિયલ મેન્ટેનન્સ તથા ફ્રેન્ચવેલ કુવાની સફાઈ કરવાની કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. આ અંગે પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે ફ્રેન્ચવેલ કુવા આસપાસ રેતી, ગ્રેવલ્સ ઉપરાંત વિવિધ પ્રકારના કહેવાતા નેચરલ ફિલ્ટરનું બ્રેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ચારથી પાંચ ટ્રક જેટલું કામકાજ મેન્યુઅલી કરવામાં આવ્યું હતું અને આજે મશીનરીથી આ કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જે અંદાજિત 12 ટ્રક જેટલું બ્રેકિંગ નાખવાનું કામ કરાશે તેમ જણાવ્યું હતું.
પરિણામે આ વિસ્તારમાં આવતીકાલે તા.21 મીએ ગોરવા પાણીની ટાંકી, સુભાનપુરા પાણીની ટાંકી, વડી વાડી પાણીની ટાંકી, અકોટા પાણીની ટાંકી અને કલાલી પાણીની ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત તા.22 મીએ શુક્રવારે ગોરવા પાણીની ટાંકી સુભાનપુરા બુસ્ટર દશામાં મંદિર પાસે સુભાનપુરા પાણીની ટાંકી વડીવાડી પાણીની ટાંકી અકોટા પાણીની ટાંકી અને કલાલી પાણીની ટાંકી ખાતેથી સવારના પાણી આપવામાં નહીં આવે.
જ્યારે તા.22મીને શુક્રવારે ગોરવા પાણીની ટાંકી સુભાનપુરા પાણીની ટાંકી વડી વાળી પાણીની ટાંકી અકોટા પાણીની ટાંકી અને કલાલી પાણીની ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી ઓછા દબાણથી અને ઓછા સમય માટે તથા મોડેથી આપવામાં આવશે.
એ જ પ્રમાણે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નાલંદા પાણીની ટાંકી ખાતે પાણીની લાઈનના લીકેજનું રીપેરીંગ અને દક્ષિણ વિસ્તારના મકરપુરા જીઆઇડીસી ટાંકી ખાતે લાઈન જોડાણની કામગીરી કરવાની હોવાથી કાલે તા.21મીએ નાલંદા વિસ્તારના બે ઝોનમાં અને મકરપુરા વિસ્તારમાં સાંજનું પાણી આપવામાં આવશે નહીં અને કામગીરી પૂરી થયા બાદ ઓછા દબાણ અને ઓછા સમય માટે વિલંબથી આપવામાં આવશે તેની નોંધ લેવા પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં નાલંદા ટાંકી ખાતે પંપીંગ મશીનરી ડીલેવરી લાઈનની લીકેજ રીપેરીંગની કામગીરી આવતીકાલે તા.21મીએ સવારના પાણી વિતરણ બાદ હાથ ધરાશે. જેથી આ વિસ્તારના બંને ઝોનમાં સાંજે પાણી આપવામાં આવશે નહીં.
આવી જ રીતે શહેરના દક્ષિણ વિસ્તારમાં જીઆઇડીસી ટાંકી સામે 450મી.મી. વ્યાસની ડિલિવરી લાઈનના જોડાણની કામગીરી આવતીકાલે 21મીને ગુરુવારે સવારના સમયના પાણી વિતરણ બાદ કામગીરી કરવાની છે. જેથી જીઆઇડીસી ટાંકી થી પાણી મેળવતા વિસ્તારના રહીશોને તા.21મીએ સાંજનું પાણી આપવામાં આવશે નહીં. પરંતુ કામગીરી પૂરી થયા બાદ પાણી મોડેથી અને ઓછા દબાણથી તથા ઓછા સમય માટે આપવામાં આવશે. જે અંગેની નોંધ સ્થાનિક રહીશોએ લેવા પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.