વડોદરામાં એક બાજુ પાણીની રામાયણ તો બીજી બાજુ ટેન્કરોથી સ્વિમિંગ પૂલમાં પાણી ભરવામાં આવી રહ્યું છે
Water Shortage in Vadodara : વડોદરા શહેરમાં હાલ ઉનાળાની સિઝનમાં જ કોર્પોરેશનના ચારમાંથી ત્રણ સ્વિમિંગ પૂલ બંધ છે. જેમાં વાઘોડિયા રોડ પર રાજીવ ગાંધી સ્વિમિંગ પુલનો પણ સમાવેશ થાય છે. આ સ્વિમિંગ પૂલ ચાલુ કરવાની સૂચના અપાતા કોર્પોરેશન ન છૂટકે ટેન્કરો દ્વારા સ્વિમિંગ પૂલમાં પાણી ભરી રહી છે. ગઈકાલથી ટેન્કરો દ્વારા પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આજ બપોર સુધીમાં 42 ટેન્કર પાણી સ્વિમિંગ પૂલમાં ઠાલવી દેવામાં આવ્યું છે. હજુ તો સ્વિમિંગ પૂલ 10 ટકા પણ ભરાયો નથી. સ્વિમિંગ પુલ ખૂબ મોટો હોવાથી આશરે 700 થી વધુ ટેન્કર પાણી ઠાલવવું પડે તેવી સ્થિતિ છે. આ આ ટેન્કરો જુદા જુદા ફાયર બ્રિગેડ સ્ટેશનથી આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ રીપેરીંગ માટે ત્રણ મહિનાથી બંધ હાલતમાં હતો. રીપેરીંગ કામ 17 માર્ચે પૂરું થયું છે, એ પછી 25 દિવસ સમય થયો છે, પરંતુ હજુ સુધી સ્વીમીંગ પુલ ચાલુ થઈ શક્યો નથી તેનું કારણ એ કે પૂર્વ વિસ્તારમાં હાલ પાણીની તકલીફ છે. વચ્ચેના સમયમાં સમગ્ર વિસ્તારમાં આજવા થી આવતી પાણીની લાઈન તૂટી જતા આશરે પાંચ લાખ લોકો બે ત્રણ દિવસ પાણી વિના રખડી પડ્યા હતા. રીપેરીંગ શરૂ થયા બાદ પાણી પુરવઠો ધીમે ધીમે વ્યવસ્થિત થઈ રહ્યો છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા પણ લોકોને સ્વિમિંગ પૂલ કરતા પાણીની સુવિધા પૂરી પાડવા પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે. આ સ્વિમિંગ પૂલને નાલંદા ટાંકીમાંથી પાણી મળે છે પરંતુ તેના સંપમાં જ પાણી પૂરતું ભરાતું નથી, તો પછી સ્વિમિંગ પૂલને પાણી ક્યાંથી આપી શકે? બીજી બાજુ વડોદરાના ચારમાંથી ત્રણ સ્વિમિંગ પૂલ હાલ બંધ છે જે બે ચાર દિવસમાં જ ચાલુ કરી દેવાની સૂચના કમિશનર દ્વારા આપી દેવામાં આવી છે.
લોકો કહે છે, શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ પાણીની તકલીફ છે. લોકો પૂરતું પાણી નહીં મળતું હોવાથી ટેન્કરો દ્વારા પાણી મંગાવે છે, પરંતુ ડિમાન્ડ વધુ હોવાથી ટેન્કરો સમયસર પહોંચતી નથી. જેથી લોકો જગનું વેચાતું પાણી લે છે. એક બાજુ લોકોને પાણી મળતું નથી અને બીજી બાજુ સ્વિમિંગ પૂલમાં ટેન્કરો દ્વારા પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ ખર્ચ પણ કોર્પોરેશનને મોંઘો પડશે. રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ ઉપરાંત શહેરના લાલબાગ સ્વિમિંગ પૂલમાં પાણીમાં લીલ જામી જતા સ્વિમિંગ પૂલ બંધ કરવાની ફરજ પડી હતી. ગઈકાલે કોર્પોરેશનના કમિશનર દ્વારા આ સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ કરીને આખા સ્વિમિંગ પૂલમાંથી પાણી બહાર કાઢી સફાઈ કરી નવું પાણી ભરવા સુચના આપતા તે પણ ભરવાનું શરૂ કર્યું છે. ત્રીજો પશ્ચિમ વિસ્તારમાં સરદારબાગ સ્વિમિંગ પૂલ છે. જેમાં ગઈકાલથી પાણી ભરવાનું ચાલુ કરાયું છે.