સાંજે બે કલાક પડેલા ધોધમાર વરસાદમાં વડોદરાના રસ્તાઓ પાણીમાં ગરકાવ
વડોદરાઃ વડોદરા શહેરમાં આજે આખો દિવસ વરસાદનો વિરામ રહ્યો હતો અને સાંજે આઠ વાગતા જ ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરુ કરી હતી.આજે પણ બે કલાકના વરસાદમાં શહેર પાણી-પાણી થઈ ગયું હતુ.શહેરના મોટાભાગના મુખ્ય રસ્તાઓ અને વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા.
વરસાદે જે પ્રકારે ગુરુવારે સાંજે આક્રમક બેટિંગ કરી હતી તેની જ એક્શન રિપ્લે લોકોને આજે શુક્રવારે પણ જોવા મળી હતી.જોકે ગુરુવારે સાંજે નોકરી ધંધા પરથી પાછા ફરવાના સમયે જ વરસાદે એન્ટ્રી કરી હતી અને તેના કારણે ટ્રાફિક જામમાં હજારો લોકો ફસાયા હતા.આજે વરસાદની શરુઆત થોડી મોડી થઈ હોવાથી ટ્રાફિક જામમાં ગઈકાલ કરતા ઓછા લોકો ફસાયા હતા.આમ છતાં ગઈકાલે જે વિસ્તારોમાં ટ્રાફિક જામ હતો ત્યાં આજે પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
આમ છતાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત થઈ જતા જ લોકોએ ફરી હાલાકી ભોગવી હતી.વરસાદના પગલે વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું અલકાપુરીનું ગરનાળુ ફરી એક વખત પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું હતું.