વડોદરામાં ગેસ લાઈન રીપેરીંગની કામગીરીમાં પાણીની લાઈન તૂટી : છતાં માટી નાખીને ખાડો પૂરી દેવાયો
Vadodara News : ગેસ લાઈન રીપેરીંગની કામગીરીમાં પાણીની લાઈન વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં નવાપુરા ખાતે વોર્ડ નં.13માં પાણીની મુખ્ય લાઈનની ચાલતી કામગીરી વખતે ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે ખોદકામ વખતે પાણીની લાઈનમાંથી ગેસ લાઈન પસાર કરાઈ હોવાની ચોકાવનારી બાબતે ભારે ઉહાપોહ મચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આર.વી. દેસાઈ રોડ બિલ્ડિંગ નજીક આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે છેલ્લા 20 દિવસથી પાણીની લાઈનમાં લીકેજના કારણે આજુબાજુની તમામ સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ હતી. આ અંગે સ્થાનિક લોકોએ સ્થાનિક કોંગી કોર્પોરેટર બાલુ સુર્વે સમક્ષ રજૂઆત કરી હતી. આ અંગે સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં તેમણે રજૂઆત કરી હતી. સ્થાનિક લોકોએ વોર્ડ નં.13ની નગર સેવિકા જાગૃતિબેન કાકાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગઈ સાંજે ગેસ વિભાગની ચાલતી કામગીરીમાં પાણીની લાઈનમાં ગેસની લાઈનમાંથી ભંગાણ થયું હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે ગેસ વિભાગના કર્મચારીઓને બોલાવતા ઘટના સ્થળે મામલો ગંભીર બન્યો હતો અને તું તું મેં મેં થઇ હતી. ગેસ વિભાગની અગાઉ ચાલી રહેલી કામગીરીમાં પાણીની લાઈન તોડી નાખવામાં આવી હતી. જેથી આ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ આવ્યો ન હતો. ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ રહેલી કામગીરીને લઈને પાણી લાઇનમાં ભંગાર સર્જાવા છતાં તેને માટી નાખીને દબાવી દેવામાં આવી હતી. જેથી ગેસ વિભાગના અધિકારીઓ અથવા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.