વિશ્વામિત્રીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં ફરી પૂરનો ભય
પેન્શનપુરા, કલ્યાણનગર, જલારામનગર, પરશુરામ ભઠ્ઠા, ઇન્દિરાનગર જેવા નીચાણવાળા વિસ્તારો સાવચેત કરાયા
વડોદરા, તા.28 વડોદરામાં એક મહિના પહેલા વિશ્વામિત્રી નદીમાં અચાનક વધેલા જળસ્તરના કારણે આવેલા પૂર બાદ આજે વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા પાસે ૧૭ ફૂટથી વધતાં કોર્પોરેશનનું તંત્ર ચિંતામાં સરી પડયું છે તેમજ નદીમાં ફરી પૂર આવશે તો તેવો ભય લોકોમાં ફેલાવા લાગ્યો છે. આજે કોર્પોરેશનની મળેલી બેઠક બાદ લોકોને હાલ ચિંતાની કોઇ જરૃર નથી તેમ જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે આજવા સરોવરના સ્ત્રાવ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત વડોદરા જિલ્લામાં પણ વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોમાં વરસાદ વરસતા નદીમાં પાણી વહી રહ્યું છે. શહેરમાં પણ સતત વરસાદ વરસી રહ્યો હોવાથી વિશ્વામિત્રી નદીનું જળસ્તર અચાનક આજે સાંજે વધીને ૧૭.૧૫ ફૂટની સપાટીએ પહોંચી ગયું હતું. વિશ્વામિત્રી નદી શહેરમાંથી બે કાંઠે વહેતી થતાં બ્રિજ પરથી પસાર થતાં લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ તંત્ર પણ હવે શું કરી શકાય તે માટે એક્શનમાં આવ્યું હતું.
સામાન્ય રીતે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી ૨૬ ફૂટ છે પરંતુ ૨૧૭ ફૂટની આસપાસ થાય તો નીચાણવાળા કેટલાંક વિસ્તારોમાં પાણી આવી જતા સ્થળાંતરની ફરજ પડે છે. પેન્શનપુરા, કલ્યાણનગર, જલારામનગર, પરશુરામ ભઠ્ઠા, ઇન્દિરાનગર સહિતની વસાહતોમાં નદીના પાણી પ્રવેશવા લાગે છે જેના કારણે અગાઉથી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ૧૫ કલાકમાં ૯.૫ ફૂટથી ૧૭ ફૂટ કરતા વધુ પહોંચી જતા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
એક મહિના પહેલાં વડોદરામાં વિશ્વામિત્રી નદીના કારણે આવેલું પૂર લોકો હજી ભૂલ્યા નથી અને કેટલાંય લોકો હજી પૂરના ફોબિયામાંથી બહાર આવ્યા નથી ત્યાં ફરી નદીની સપાટીમાં અચાનક વધારો થતાં લોકોમાં ફરી ભય ફેલાયો છે.