Get The App

પાનમ, કડાણા ડેમમાંથી પાણી છોડાયા મહી નદી બે કાંઠે, સિંઘરોટમાં પાણી પ્રવેશ્યા ઃ ૫૩ ગામો એલર્ટ

સિંઘરોટ પાસે ભયજનક સપાટીની નજીક નદી ઃ નદી કાંઠાના કેટલાંક ફાર્મમાં પાણી પ્રવેશ્યા

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
પાનમ, કડાણા ડેમમાંથી પાણી છોડાયા  મહી નદી બે કાંઠે, સિંઘરોટમાં પાણી પ્રવેશ્યા ઃ ૫૩ ગામો એલર્ટ 1 - image

વડોદરા, તા.11 કડાણા અને પાનમ ડેમમાંથી મોડી રાત્રે મહી નદીમાં પાણી છોડાતા વડોદરા જિલ્લામાં મહી નદી બે કાંઠે વહેતી થઇ ગઇ છે. વડોદરા નજીક સિંઘરોટ ગામમાં પણ નદીના પાણી પ્રવેશ્યા હતાં. ગામનું સ્મશાન તેમજ નદી કાંઠાના કેટલાંક ફાર્મહાઉસોમાં પણ પાણી ભરાયા હતાં.

ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા અને પાનમ ડેમની જળસપાટીમાં વધારો થયો હતો. આ બંને જળાશયમાંથી બે લાખ ક્યૂસેકથી વધારે પાણી મહી નદીમાં છોડવામાં આવતા ઘસમસતા પાણી આજે વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને સ્પર્શી ગયા હતાં. આ સાથે જ વડોદરા જિલ્લામાં મહી નદીના કાંઠે આવેલા ડેસરના ૫, સાવલીના ૨૮, વડોદરા ગ્રામ્યના ૯ અને પાદરા તાલુકાા ૧૧ ગામોને સાવધ કરવામાં આવ્યા હતાં.

પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરા નજીક સિંઘરોટ ખાતે મહી વિયરની ભયજનક સપાટી ૧૪ મીટર છે તેની સામે હાલની સપાટી ૧૩ મીટરે પહોંચી ગઇ છે. સિંઘરોટમાં મહી નદીની સપાટીમાં વધારો થતાં જ ગામમાં પાણી પ્રવેશવાનું શરૃ થઇ ગયું છે. ગામનું સ્મશાન પણ પાણીમાં ડૂબી જતાં અંતિમ સંસ્કાર અન્ય સ્થળે કરવાની ગ્રામજનોને ફરજ પડી હતી.

સિંઘરોટમાં મહીસાગર મંદિરના ઓટલા પર પણ નદીનું પાણી ફરી વળ્યું  હતું. આ સાથે જ નદી કાંઠાના કેટલાંક ફાર્મહાઉસોમાં પણ પાણી પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું  હતું કે નદીનું પાણી હાલ સ્થિર છે. જો કે સિંઘરોટમાં નદી કાંઠે રહેતાં લોકોએ સલામત સ્થળે સ્થળાંતર કર્યું હતું.




Google NewsGoogle News