વડોદરા : આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં ધીમો ઘટાડો શરૂ
- હાલ વરસાદ નથી અને સપાટીમાં ઘટાડો શરૂ થતા લોકો અને તંત્રે રાહત અનુભવી
- બપોરે આજવાની સપાટી 211.50 ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી 16.75 ફૂટ
વડોદરા,તા.20 જુલાઈ 2022,બુધવાર
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની પાણીની સપાટીમાં ધીમો ઘટાડો શરૂ થયો છે, એ જ પ્રમાણે વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પણ પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેના લીધે લોકોએ રાહત અનુભવી છે. વડોદરામાં સોમવારની રાતથી મંગળવારની સવાર સુધી આશરે ચાર ઇંચ જેટલો તેમજ આજવા અને ઉપરવાસમાં આશરે છ ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આજવા સરોવરમાં ભારે વરસાદને લીધે એક જ દિવસમાં દોઢ ફૂટ પાણીની સપાટી વધી જતા અને લેવલ 211 ફૂટ થી ઉપર જતા પાણી છોડવા માટેના 62 દરવાજામાંથી વધારાનું પાણી વિશ્વામિત્રી નદી તરફ વહેતું થયું હતું.
બીજી બાજુ વડોદરામાં વરસાદના કારણે વિશ્વામિત્રીમાં પણ જળસ્તર વધવા માંડ્યું હતું .જેના લીધે વડોદરા કોર્પોરેશન નું તંત્ર એક્શનમાં આવ્યું હતું, અને નીચાણવાળા વિસ્તારોમાંથી જરૂર પડે લોકોને સલામત સ્થળે ખસેડવા અને તેને લગતી જરૂરી કામગીરીમાં લાગી ગયું હતું. ગઈ મોડી રાત્રે નદીની સપાટી 16 ફૂટ થઈ ગઈ હતી. એમાંય આજે સવારે સપાટી 17 ફૂટ થી થોડી વધુ થઈ ગઈ હતી, જ્યારે આજવા સરોવરમાં સપાટી 211. 55 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. સરકારની ગાઈડલાઈન મુજબ સરોવરમાં 15 ઓગસ્ટ સુધી 211 ફૂટથી વધુ પાણી ભરી શકાતું નથી, એટલે વધારાનું પાણી 62 દરવાજાના સેટ કરેલા લેવલ પરથી વહેતા શરૂ થયા હતા. ગઈકાલથી મેઘરાજાએ વિરામ પાડ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ નથી, જેની અસર આજે સવારે જોવા મળી હતી. આજવા સરોવરમાં લેવલ આંશિક ઘટ્યું હતું. બપોરે 12:00 વાગ્યાની આસપાસ લેવલ 211.50 ફૂટ હતું. બીજી બાજુ વિશ્વામિત્રીમાં પણ લેવલ ઘટવા માંડ્યું હતું, અને ત્યાં પણ આંકડો 16.75 ફૂટ જોવા મળ્યો હતો. જો વિશ્વામિત્રીની સપાટી 20 ફૂટ થઈ ગઈ હોત તો સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ કરવાની પરિસ્થિતિ ઉભી થાત પરંતુ વરસાદ નહીં હોવાથી લોકોએ અને તંત્ર એ રાહત અનુભવી છે.