Get The App

વડોદરામાં ગયા વર્ષની સરખામણીએ હાલ આજની સ્થિતિએ આજવા સરોવરમાં બે ફૂટ પાણી ઓછું

Updated: Aug 30th, 2023


Google News
Google News
વડોદરામાં ગયા વર્ષની સરખામણીએ હાલ આજની સ્થિતિએ આજવા સરોવરમાં બે ફૂટ પાણી ઓછું 1 - image


- આજવાની હાલની સપાટી 209.85 ફૂટ

- ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ થતાં સરોવરમાં સપાટી વધી હતી 

વડોદરા,તા.30 ઓગસ્ટ 2023,બુધવાર

ગુજરાતમાં જુલાઈ મહિનામાં અતિ ભારે વરસાદ ત્રાટકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, અને તે પછી છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાયો છે, અને હાલ વરસાદની કોઈ આગાહી પણ નથી, ત્યારે વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પણ સપાટી હાલ ઘટીને 209.85 ફૂટ થઈ છે. ગયા વર્ષ કરતા આજની સ્થિતિએ આજવા સરોવરમાં પાણી આશરે બે ફૂટ ઓછું છે.

ગયા વર્ષે આ સમયે લેવલ 211.75 ફૂટ જેટલું હતું. ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં હજુ આજવા સરોવરનું લેવલ 210.50 ફૂટ સુધી પણ પહોંચ્યું નથી. જ્યારે ગયા વર્ષે તો 18 મી જુલાઈ એ જોરદાર વરસાદ થતાં આજવા સરોવરમાં પાણીનું લેવલ 211 ફૂટથી પણ ખૂબ જ વધી જતા 62 દરવાજામાંથી ઓવરફ્લો ચાલુ થઈ ગયો હતો અને પંદર દિવસ સુધી આ ઓવરફ્લો ચાલુ રહ્યો હતો. જોકે વર્ષ 2021 માં સપ્ટેમ્બર મહિનામાં પણ આજવા સરોવરનું લેવલ 207 ફૂટ થયું હતું અને તેના કારણે સરકારમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે નર્મદા માંથી આજવા સરોવરમાં પાણી ભરવું પરંતુ સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ થતાં પાણીનું સંકટ નાબૂદ થયું હતું.

ગયા વર્ષે પણ સપ્ટેમ્બરમાં છેલ્લે છેલ્લે નોંધપાત્ર વરસાદ થયો હતો. સરકારના નિયમ મુજબ આજવા સરોવરમાં 31 ઓગસ્ટ સુધી પાણી ભરવાનું લેવલ 212 ફૂટ સુધી રાખી શકાય છે અને 30 સપ્ટેમ્બર સુધી 212.50 ફૂટ થી વધુ પાણી રાખી શકાતું નથી. આમ છતાં હવામાનની આગાહી અને ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાતો હોય છે. આ વખતે વરસાદ આજવા સરોવરના ઉપરવાસમાં બહુ ભારે નહીં હોવાથી સરકારની ગાઈડલાઈન મુજબ તબક્કાવાર 62 દરવાજા સેટ કરવાની સ્થિતિ હજુ સર્જાઇ નથી અને એક પણ વખત ઓવરફ્લો પણ થયો નથી. આજવા સરોવરમાંથી વડોદરા શહેરને 14.5 એમએલડી પાણી પૂરું પાડવામાં આવે છે.

Tags :
VadodaraVadodara-CorporationAjwa-LakeWater-Shortage

Google News
Google News