પીપળીયા પાસેના બંગલાઓની સોસાયટીઓ હજી પણ પાણીમાં
કલાકો થવા છતાં પાણી ઉતરતા નથી ઃ વડોદરા-વાઘોડિયા હાઇવે પર પણ પાણી ફરી વળ્યા
વડોદરા, તા.25 વડોદરા શહેર અને જિલ્લામાં ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં. જિલ્લામાં વડોદરાથી વાઘોડિયા વચ્ચેના સ્ટેટ હાઇવે પર પણ પાણી ભરાઇ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતાં. જ્યારે પીપળીયા પાસેની સોસાયટીઓ પણ બેટમાં ફેરવાઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયારોડ પર ધીરજ હોસ્પિટલની સામે કાઉન્ટી કેમ્પસમાં આવેલ એવલોન વર્લ્ડ સ્કૂલ, શ્રીનાથજી વર્ણન સોસાયટી, મઘુવન એક અને બેમાં ગઇકાલે પાણી ભરાઇ ગયા હતાં. આ પાણીનો આજે પણ નિકાલ નહી થતાં લાખો રૃપિયાનું રોકાણ કરીને લીધેલા બંગલાના માલિકો ચિંતામાં મૂકાઇ ગયા હતાં. આજે પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા રહેતા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે વડોદરાથી વાઘોડિયા જવાના માર્ગ પર અનેક સોસાયટીઓનું નિર્માણ થયું છે અને મોટાભાગનો વિસ્તાર હવે રહેણાંક ઝોન જેવો બની ગયો છે. સામાન્ય સંજોગોમાં વરસાદ રોકાઇ જતાં પાણી ઉતરી જતા હોય છે પરંતુ આ વિસ્તારની સોસાયટીઓમાં કલાકો થવા છતાં પાણી ઉતર્યુ ન હતું જેના કારણે લોકોના જનજીવનને પણ અસર થઇ હતી. કલાકો સુધી પાણી ભરાયેલા રહેતા રોગચાળો પણ ફાટી નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભારે વરસાદના કારણે વડોદરા-વાઘોડિયા સ્ટેટ હાઇવે પર પણ પાણી ફરી વળ્યા હતાં.