વડોદરા : આજવા સરોવરમાં છેલ્લા 29 દિવસથી નર્મદા કેનાલમાંથી પાણી અપાઇ રહ્યું છે
- આજવામાં રોજ 146 મિલિયન લિટર પાણીનો જથ્થો ઠલવાય છે
- હજુ પાણી ચાલુ રાખવું કે કેમ તેનો નિર્ણય ટૂંક સમયમાં થશે
વડોદરા,તા.20 જુન 2022,સોમવાર
વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પુરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરમાં નર્મદા કેનાલમાંથી ગઈ તારીખ 23 મેથી રોજનું 60 ક્યુસેક એટલે કે 146 મિલિયન લિટર પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા 29 દિવસથી આજવામાં નર્મદાનું પાણી આવી રહ્યું છે. ગઈ તારીખ 21 મેના રોજ મુખ્યમંત્રી વડોદરા આવેલા હતા, ત્યારે તેમણે તારીખ 30 જૂન સુધી અથવા તો આજવા સરોવરમાં પાણી ન આવે ત્યાં સુધી ઉકત પાણીનો જથ્થો આપવાની જાહેરાત કરી હતી. આજવા સરોવરમાં આના લીધે પાણીનું લેવલ ઘટે નહીં અને શહેરના પૂર્વ તથા દક્ષિણ વિસ્તારને પૂરતું પાણી મળતું રહે તે માટે આ નિર્ણય લેવાયો હતો. હાલ આજવા સરોવરનું લેવલ 207.35 ફુટ છે. જો આ લેવલ 204 થી નીચે ઉતરી જાય તો પાણીની અછત સર્જાઈ શકે તેમ હતી. નર્મદા કેનાલનું પાણી આજવાને મળતું થતાં રોજનો પાણીનો વપરાશ કરવાની સાથે સાથે સરોવરનું લેવલ પણ છેલ્લા 29 દિવસમાં આશરે સવા ફૂટથી વધુ વધ્યું છે. આજવાથી કોર્પોરેશન દ્વારા રોજ ઊકત જથ્થો લેવામાં આવે છે, અને એટલું જ પાણી શહેરને નર્મદા કેનાલથી મળી રહ્યું છે. આ પાણી શહેર સુધી ગ્રેવિટી લાઈન મારફતે પ્રાપ્ત થઈ રહ્યું છે. પાણી વડોદરા નજીક રામપુરા ગામ ખાતે પસાર થતી વડોદરા બ્રાન્ચ કેનાલ દ્વારા આપવામાં આવે છે, અને 24 કલાક પાણીનો ફ્લો ચાલુ રહે છે. જોકે નર્મદા કેનાલનું પાણી લેવા બદલ વડોદરા કોર્પોરેશન અને દર એક હજાર લિટર એ રૂપિયા 4.69નો ચાર્જ ચૂકવવો પડશે. આજવા સરોવરમાં નર્મદાનું પાણી હવે ક્યાં સુધી ચાલુ રાખવું તે અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.