Get The App

અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી નહી ઓસરતા લોકોમાં રોષ

વરસાદી પાણીનો નિકાલ નહી થતાં સોસાયટીના રહીશોને મુશ્કેલી ઃ પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકો હેરાન

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી નહી ઓસરતા લોકોમાં રોષ 1 - image

વડોદરા, તા.30 વડોદરામાં ચોમાસાની ઋતુમાં ત્રીજી વખત પૂરની સ્થિતિ સર્જાઇ હતી. રવિવારે માત્ર પાંચ ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર પાણી..પાણી. થઇ ગયા બાદ વરસાદને ૨૪ કલાક થવા છતાં પણ પૂર્વ વિસ્તાર તેમજ કલાલીની અનેક સોસાયટીઓમાં ભરાયેલા બેથી ત્રણ ફૂટ વરસાદી પાણી હજી સુધી નહી ઉતરતાં રહીશોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે બપોરે પડેલા ધોધમાર પાંચ ઇંચ વરસાદના પગલે સમગ્ર શહેરમાં પાણી ભરાઇ ગયા  હતાં. રાજમાર્ગો ઉપરાંત અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી પ્રવેશ્યા  હતાં. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહી હોવાથી કેટલાંય ઘરોમાં પાણી પ્રવેશતાં ફર્નિચરને નુકસાન થયું હતું. ખાસ કરીને પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં ભરાયેલા પાણી હજી પણ ઓસર્યા નથી જેના કારણે સોસાયટીના રહીશોમાં ભારે રોષ છે.

પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટી, પ્રભુ સોસાયટી સહિત અનેક સોસાયટીમાં ભરાયેલા પાણી આજે પણ નહી ઓસરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે કે ગટરના બેક થયેલા પાણી ભરાય છે તે અંગે પણ રહીશોમાં ચર્ચાઓ થવા લાગી હતી. વરસાદી પાણી તો ઓસરી જતા હોય છે પરંતુ હજી સુધી પાણી નહી ઉતરતાં તેમજ દુર્ગધ મારતાં લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

શહેરના બાપોદ, વાઘોડિયારોડ, ખોડિયારનગર, અટલાદરા અને કલાલી વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ ક્યારે થશે તે હજી નિશ્ચિત નથી. વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા યોગ્ય નથી તેવી ફરિયાદો પણ ઉઠવા લાગી હતી.




Google NewsGoogle News