છાણી ટીપી13ની સોસાયટીઓમાં પાણીનો કકળાટ વકર્યો, મહિલાઓના દેખાવો

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
છાણી ટીપી13ની સોસાયટીઓમાં પાણીનો કકળાટ વકર્યો, મહિલાઓના દેખાવો 1 - image


વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ ઠેર ઠેર પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. શરૂઆતમાં જ આવી સ્થિતી હોય તો આવનાર સમયમાં કેવી દશા થશે? આજે છાણીના ટીપી 13 વિસ્તારમાં આંબેડકર નગર પાણીનો કકળાટ પહોંચ્યો છે. જેને લઇને મહિલાઓ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો છે.

વેરા વસુલતુ પાલિકા તંત્ર પાણી પહોંચાડવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. વડોદરાવાસીઓને થઇ રહે તેટલા પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ છે. છતાંય સ્માર્ટ શાસકોના પાપે શહેરમાં ઠેર ઠેર પાણીની બુમો ઉઠી રહી છે. શહેરીજનો પાસેથી વેરા વસુલતુ પાલિકાનું તંત્ર પાણી પહોંચાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તારો ગમે ત્યાં પાણી નહિ મળતું હોવાનું અથવા તો પૂરતુ પાણી નહિ આપવામાં આવતુ હોવાની બુમો ઉઠી રહી છે. આજે પાણીનો કકળાટ નવા સરનામે પહોંચ્યો છે. આજે ટીપી13ના આંબેડકર નગરમાં પાણી એક મહિનાથી અપુરતુ અને ઓછા પ્રેશરથી આવતુ હોવાની બુમો ઉઠી છે. સ્થાનિક મહિલાઓએ નજીકમાં આવેલી કેનાલમાંથી પાણીના કારબા ભરીને વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

સ્થાનિક સૌ મહિલાઓ જણાવે છે કે, એક મહિનાથી વધુ સમયથી પાણીની સમસ્યાઓ છે. અસંખ્ય અરજીઓ આપ્યા બાદ પણ સમસ્યા યથાવત છે. પાણીનો ફોર્સ નહિવત હોય છે. પાણી અમને મળવું જોઇએ. હાલ કામગીરી ચાલી રહી છે, તેને લઇને નહિ પણ પાણીની સમસ્યા જૂની છે. નજીકમાં આવેલી કેનાલ પરથી કારબા ભરીને લાવવું પડે તેવા દિવસો છે. રોજ એક જગ મંગાવીએ છે. રૂ.40નો એક જગ આવે છે. પરિવારમાં વધુ લોકો હોય તો એક જગમાં પાણી થઇ નથી રહેતું. રોજ કારબા ભરી લાવીને કામ ચલાવી રહ્યા છે. કોર્પોરેશન અમને કોઇ સગવડ નથી આપતું. ઘર વેસરો ભરીએ છીએ છતાં આવી સ્થિતી છે.


Google NewsGoogle News