મહુધામાં પાણીજન્ય રોગચાળો વકર્યો, દૈનિક ઓપીડીની સંખ્યા 400થી વધુ પહોંચી
વિવિધ હોસ્પિટલોમાં 69 દર્દીઓ સારવાર હેઠળ
આરોગ્ય વિભાગે ૬ ટીમો બનાવી સર્વે અને સારવારની કામગીરી હાથ ધરી
નડિયાદ,મહુધા: મહુધા નગરપાલિકા હદ વિસ્તારમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. નગરપાલિકા અને તાલુકા હેલ્થ વિભાગની બેદરકારી વચ્ચે કોલેરા સહિતના રોગચાળામાં અનેક નાગરીકો સપડાયા છે. મહુધામાં દૈનિક ૪૦૦થી વધુ ઓપીડી છેલ્લા ૪ દિવસથી જુદીજુદી હોસ્પિટલ અને અન્ય નાના-મોટા ક્લિનિકમાં નોંધાઈ રહી છે. તેમજ હાલ મહુધામાં ૬૯ જેટલા દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની વિગતો સાંપડી છે.
મહુધાના નાગરીકોમાં ઝાડા-ઉલટીના કેસોમાં ધરખમ વધારો થયો છે. મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્રના બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા અચાનક આવેલા રોગચાળા સંખ્યાબંધ કેસોને સમર્થન આપતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી માટે અનેક કાર્યો હાથ ધર્યા હોવાનું જણાવ્યુ છે. જેમાં છ જુદી જુદી ટીમો બનાવી મહુધા શહેરમાં આવેલ ચકલી ફળિયામાં, મુસીબતનગર, સરદાર પોળ, ખાડિયા વિસ્તાર સહિતના સ્થળોએ સર્વે અને સબંધિત કામગીરી માટે મોકલી હોવાનું પણ જણાવ્યુ છે. મહુધા પાલિકાના અધિકારીઓને એક મહિનામાં ત્રણ-ત્રણ વાર લેખિત રજૂઆતો કરી અને પાણીના લીકેજની કામગીરી પૂર્ણ કરવા અને ક્લોરીનેશન કરવાની સૂચના આપવામાં આવી છે. પરંતુ કામમાં ચોકસાઈ રાખવામા આવી નથી. જેના પગલે રોગચાળો વર્કયો છે.મહુધા નગરપાલિકામાં આરો પાણીની કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો તોડી નાખવામાં આવી હતી અને અયોગ્ય રીતે ઢાંક પીછોડો કરી તૂટેલી પાઇપોને માટી નાખી દબાવી દીધી હતી. અધિકારીઓ અને કર્મચારીઓની આ બેદરકારીનો ભોગ પ્રજા બની હોવાની ચર્ચા છે. અનેક દર્દીઓને નડિયાદ એન. ડી.દેસાઈ અને સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં રીફર કરાયા છે.
લાઈનમાં લીકેજ અને ક્લોરીનેશન માટે એક માસમાં પાલિકાને ત્રણ વખત નોટિસ ફટકારી
મહુધા ઃ આ અંગે મહુધા સામુહિક આરોગ્ય કેન્દ્રના બ્લોક હેલ્થ ઓફિસર ધુ્રમિલ પરીખે જણાવ્યું હતું કે, શુક્રવારે સીએચસીમાં ઝાડા-ઉલટીના ૨૪ કેસો નોંધાયા હતા. જેમને વધુ સારવાર માટે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે. પાણીજન્ય રોગચાળા અંગે મહુધા નગરપાલિકાને પાણીની લાઈનમાં લીકેજ અને ક્લોરીનેશન કરવા માટે એક મહિનામાં ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી છે.