ભાઇજીપુરા જંકશન પર જળબંબાકારઃવાહનો પાણીમાં અટવાયાઃકલાકો સુધી ટ્રાફિક જામ
ગાંધીનગર-કોબા હાઇવે ઉપર
બ્રીજની કામગીરીને કારણે લોખંડનું બેરીકેટીંગ કરવામાં આવતા પાણી હાઇવે ઉપર ભરાયું : ઘણી કારમાં પણ પાણી ઘુસી ગયા
ગાંધીનગરમાં આજે બપોરના સમયે પડેલા ધોધમાર વરસાદથી નગર આખું
પાણીમાં તરબતર થઇ ગયું હતું જો કે,
ગાંધીનગર-કોબા હાવઇ ઉપર ભાઇજીપુરા જંકશન પાસે હાલ બ્રીજની કામગીરી ચાલી રહી છે
જે અંતર્ગત લોખંડના બેરીકેટીંગ કરવામાં આવેલા હોવાને કારણે અહીં રોડ ઉપરથી પાણી
બાજુમાં કે ક્યાય જઇ શક્યું ન હતું અને પાણી રોડ ઉપર જ ભરાઇ રહ્યું હતું. ધીરે ધરે
હાઇવે ઉપર પાણીની સપાટી સતત ઉચીં આવી રહી હતી તે દરમ્યાન કોબા હાઇવે ઉપર વાહનોની
સ્પિડ પણ ઘટી હતી એટલુ જ નહીં,
ઘણી કારમાં પાણી ઘુસી ગયા હતા અને ઘણા વાહનો પણ ખોટવાયા હતા જેના કારણે
ભાઇજીપુરા-ધોવાકુવા હાઇવે ઉપર કલાકો સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. ખોટવાયેલી
કારને જેસીબીના મારફતે સાઇડમાં ખસેડવામાં આવતી હતી અને સ્થાનિક પોલીસ જવાનો તથા
અધિકારીઓ પણ વરસતા વરસાદમાં જળમગ્ન થયેલા આ હાઇવે ઉપર દોડી આવ્યા હતા અને ફસાયેલા
વાહનચાલકોને બહાર કાઢ્યા હતા.
હાઇવે બંધ કરીને આંતરિક સર્વિસ રોડ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને પોલીસ જવાનોએ ભારે જહેમત ઉઠાવીને ફસાયેલા વાહનોને ધક્કા મારીને ખસેડયા હતા સ્થાનિકો અને અન્ય વાહનચાલકો પણ આ કામગીરીમાં જોડાયા હતા અને મહામુસીબતે હાઇવે ઉપરથી ટ્રાફિકને હળવો કર્યો હતો.