તારાપુર તાલુકાના ખાનપુર માયનોર સિંચાઇની કેનાલ અને કૂવામાં ગાબડું પડતા પાણીનો વેડફાટ
- પાંચ દિવસથી કોથળાઓમાં માટી ભરી પાણી રોકવા મથામણ કરતા ખેડૂતો : ડાંગરના પાકને નુકશાન થવાની ભીતિ
તારાપુર તાલુકાના ખાનપુર માયનોર પરની સિંચાઇની કેનાલમાં તથા સિંચાઇનાં કૂવામાં ગાબડું પડવાથી છેલ્લા ઘણા દિવસોથી ખુબજ મોટા પ્રમાણમાં સિંચાઇનાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.હાલ આ વિસ્તારના ડાંગરનો પાક તૈયાર છે. ડાંગરના પાકને સિંચાઇનાં પાણીની તાતી જરૂરીયાત છે.
કેનાલમાં પાણી તો ભરપૂર છે, પરંતુ કેનાલ તથા કૂવામાં પડેલા ગાબડાંને લઈ લેવલ ન થવા થી સબ માયનોરમાં પૂરતા લેવલે પાણી ન ચડતા પાણીની જરૂરિયાતવાળા ખેતરો સુધી પાણી પહોંચતું ન હોવાથી પાણી વિના આ વિસ્તારની ડાંગરની ક્યારીઓ કટોકટીની અવસ્થાએ કોરી ધાકોર બનતા ડાંગરનાં પાક પર જોખમ ઉભુ થયું છે.ખેડૂતો દ્વારા સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા જાતેજ છેલ્લા પાંચેક દિવસથી રાત તારાપુર- દિવસ ઉજાગરા કરી પ્લાસ્ટિક ની કોથળીઓમાં માટી ભરી પાણી રોકવા મથામણ કરી રહ્યા છે.પરંતુ ગાબડું ન પૂરતા સ્થાનિક ખેડૂતો તંત્ર સામે રોષે ભરાયાં છે.છેલ્લા કેટલાક વર્ષો થી ખાનપુર સબ માયનોરમાં અવાર-નવાર પડતા ગાબડાંને લઈ રજૂઆતો કરવા માં આવી છે, છતાં મહી સિંંચાઇ વિભાગ દ્વારા કેનાલનાં પાળા તથા સિંચાઇનાં કૂવાનું સમારકામ હાથ ધરવામાં આવતું નથી.
સેંકડો ખેડૂતો આ કેનાલ પર નિર્ભર
હાલ આ વિસ્તારના ડાંગરનો પાક તૈયાર છે અને પાકને પાણીની તાતી જરૂરી કટોકટીની આ અવસ્થાએ કેનાલમાં ગાબડું પાડતા ખાનપુર સબ માયનોરમાં જરૂરી લેવલ ન થવાથી પાણી ન ચડતા હાલ આ વિસ્તારની ડાંગરની કયારીઓ કોરી બની છે.ખાનપુર,ઈન્દ્રણજ ,ઈશનપુર સહિતના ગામના ખેડૂતો આ કેનાલ પર નિર્ભર છે.
જેને લઇ વિસ્તારનાં ડાંગરનાં પાક પર જોખમ ઉભુ થયું છે. પોતાના મોમાં આવેલો કોળીયો છીનવાઈ જવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.