વડોદરાના વોર્ડ નંબર એકમાં પાણીની ટાંકીમાંથી ચોખ્ખા પાણીનો બગાડ, લીકેજના કારણે ગટરમાં ભળ્યું
Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર એક વિસ્તારમાં ટીપી 13 પાણીની ટાંકી ખાતે 18 ઇંચની લાઈનમાંથી છેલ્લા કેટલાક દિવસથી ભારે લીકેજના કારણે પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. જે પાણી લોકોના ઘરમાં જવું જોઈએ તેના બદલે વરસાદી ગટરમાં વેડફાઈ રહ્યું છે.
આ અંગે વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ આ વિસ્તારમાં વધારે પડતું પીળું પાણી આવતું હોવાથી તેની તપાસ કરવા માટે ટીપી 13 પાણીની ટાંકીની વિઝીટ કરી હતી, પરંતુ ત્યાં જઈને જોયું તો બીજી સમસ્યા ઊભી હતી. પાણીની ટાંકીની 18 ઇંચની લાઈન લીકેજ જણાઈ આવી હતી. અંદરથી બહાર સુધી ફોર્સમાં પાણી વહેતું હતું અને વાલ્વ ચેમ્બરમાં પણ ફુલ પ્રેશરથી પાણી વહી જતું હતું. કેટલાક દિવસથી આ લીકેજ થયું હોવાનું જણાય છે. લીકેજનું પાણી ચેમ્બરમાંથી પાછું લાઈનમાં જતું હતું. વરસાદી ઝાપટા પડે તો તેનું પાણી પણ અહીં ભરાય છે. આમ માટી વાળું ડહોળું પાણી થતું હોવાની પૂરી શક્યતા છે. લોકોને પ્રેશરથી પાણી મળતું નથી, જ્યારે બીજી બાજુ ચોખ્ખું પાણી વરસાદી ગટરમાં નકામું વેડફાઈ જતું હતું.
આ અંગે તાત્કાલિક લીકેજ રીપેરીંગની કામગીરી કરવાની જાણ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કાડાનો સ્ટાફ અને વિતરણનો સ્ટાફ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. જોકે આજે રીપેરીંગ થાય તેવી શક્યતા છે. બીજી બાજુ પીળા પાણીની સમસ્યા હલ કરવા પાણીમાં ક્લોરિનનું પ્રમાણ થોડું ઘટાડતા સ્થિતિ સુધરી છે, પરંતુ હાલ ચોમાસાને લીધે માટી વાળું પાણી આવતું હોવાથી તંત્રને પણ ક્લોરિનનું પ્રમાણ વધારવું પડે છે.