ચીનમાં બાળકોમાં ફેલાયેલી બીમારીના પગલે સયાજી માં તકેદારી રાખવા સૂચના
સારવારના સાધનો, દવાઓ તથા સ્ટાફને સેનેટાઇઝ કરવા માટે તાકીદ
વડોદરા,ચીનમાં બાળકોમાં ફેલાયેલી બીમારીના પગલે શહેરની સયાજી હોસ્પિટલમાં પણ તકેદારી કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
તાજેતરમાં ચીનમાં બાળકોમાં શ્વાસની બીમારી જેવી કે, ઇન્ફ્લ્યુએન્ઝા, માયક્રોપ્લાઝમા ન્યુમોનિયા, એસઆરએસ સીઓવી -૨ જોવા મળી છે. જેને ધ્યાને રાખીને રોગચાળાના કેસમાં વધારો ના થાય તે માટે તથા દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દરેક સરકારી હોસ્પિટલમાં તકેદારીના પગલા ભરવા માટે તાકીદ કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આ અંગે પણ પત્ર મળ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ વસ્તુઓને અપડેટ કરવી, પીએસએ પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ, કોન્સનટ્રેટરની ચકાસણી કરવી, ફાયર સેફ્ટી,ઓપરેશનલ ગાઇડ લાઇન્સની સમીક્ષા કરવી, એક્ટિવ પેસિવ સર્વેલન્સની કામગીરી કરવી તથા તબીબી અધિકારી, ફિઝિશિયન, એનેસ્થેટીસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ, લેબ - ટેક, સ્ટાફ નર્સ અન્ય પેરા મેડિકલ સ્ટાફને સેનેટાઇઝ કરવા તથા વેન્ટિલેટર, પીપીઇ કીટ, એન્ટિ વાયરલ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપ્લબ્ધ છે કે કેમ ? તેની સમીક્ષા કરવા જણાવવામાં આવ્યું છે.