વડોદરાના મંગલ પાંડે રોડ પર અવાવરું જગ્યામાં કચરો નાખતા રીક્ષા ચાલકને વોર્ડ ઓફિસરે પકડતા હોબાળો: કચરો ફરી રિક્ષામાં ભરાવ્યો
વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર
વડોદરા કોર્પોરેશનનું તંત્ર સ્વચ્છતાને લઈ સક્રિય થઈ રહ્યું છે જ્યાં ત્યાં ગંદકી કરનારાઓ સામે વર્ડ કક્ષાએ અને સેનેટરી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર માર્ગ પર કે અવાવરું જગ્યાએ કચરો નાખનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. મંગલ પાંડે રોડ પર અવાવરું જગ્યાએ કચરો નાખનાર રીક્ષા ચાલકને વોર્ડ ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. વોર્ડ ઓફિસરે નાખવામાં આવેલો કચરો રિક્ષામાં પરત ભરાવડાવી દંડ વસુલ્યો હતો. કાર્યવાહી ટાણે રીક્ષા ચાલક અને વોર્ડ ઓફિસર વચ્ચે થોડી ચકમક ઝરી હતી પરંતુ આખરે રિક્ષા ચાલકે નાખેલો કચરો પુનઃ ઉઠાવી લેતા મામલો થાળે પડ્યો હતો.