બેન્ક એકાઉન્ટ અને પ્રોપર્ટી સીઝ કરવાની તૈયારી થતાં જ ફફડાટઃબોટકાંડના સૂત્રધારના ત્રણ કુટુંબી પકડાયા
વડોદરાઃ હરણી બોટકાંડના મુખ્ય સૂત્રધાર પરેશ શાહના ત્રણ પરિવારજનો પણ આજે પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.જેથી અત્યાર સુધી પકડાયેલાઓની સંખ્યા કુલ ૧૯ થઇ છે.હજી એક આરોપી બાકી રહ્યો છે અને તેની પ્રોપર્ટી સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હરણીના તળાવમાં ગઇ તા.૧૮મીએ વિદ્યાર્થીઓની બોટ ઉથલી પડતાં ૧૨ વિદ્યાર્થીઓ સહિત ૧૪ના મોત થયા હતા. કોર્પોરેશન તેમજ લેકઝોનના સંચાલકોની બેદરકારીએ નિર્દોષોના ભોગ લેતાં નગરજનોમાં ભારે રોષ ફેલાયો હતો.જેને પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે એડિશનલ કમિશનર મનોજ નિનામા અને ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ સિટની રચના કરી હતી.
આ પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધાર પરેશ શાહ,પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહ, નિલેશ જૈન સહિતના કુલ ૧૬ આરોપીઓને ઝડપી પાડયા હતા.જ્યારે પરેશ શાહની પત્ની, પુત્ર અને પુત્રી સહિત ચાર ફરાર હોઇ પોલીસ તેમની પાછળ પડી હતી.આજે પરેશ શાહની પત્નીની તબિયત લથડતાં તેઓ દેણા ચોકડી થઇ વડોદરામાં સારવાર માટે આવતા હતા ત્યારે પોલીસે પરેશ શાહની પત્ની નૂતન શાહ,પુત્ર વત્સલ શાહ અને પુત્રી વૈશાખીને ઝડપી પાડયા હતા.
ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે,પરેશ શાહના ત્રણેય કુટુંબીજનોની પ્રોપર્ટી સીઝ કરવાની અને બેન્ક એકાઉન્ટ સીઝ કરવાની કાર્યવાહી કરતાં તેઓ દબાણમાં આવ્યા હતા.હજી આ કેસમાં ધર્મિન ભટાણી ફરાર હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
લેકઝોનના ધંધામાં પરેશ પુત્રનો 10 ટકા,પત્ની અને પુત્રીનો 5-5 ટકાનો ભાગ
હરણી લેકઝોનના ધંધામાં પરેશ શાહના પરિવારના ત્રણ સદસ્યોનો ૨૦ ટકા ભાગ હોવાની માહિતી ખૂલી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,હરણી લેકઝોનના સંચાલનમાં પરેશ શાહ મુખ્ય વહીવટ કર્તા હતો અને તેના પત્નીના ૧૦ ટકા, પુત્રી અને પુત્રના ૫-૫ ટકાનો ભાગ હતો.
બોટકાંડ બાદ ત્રણેય જણા રાજસ્થાન ફરાર થઇ ગયા હતા.ડીસીપી પન્ના મોમાયાની ટીમ સતત તેમનો પીછો કરી રહી હતી.ચાર દિવસથી તેઓ ત્રણેય જણા ભરૃચ આવ્યા હતા.જેથી ત્રણેયે કોને ત્યાં આશરો લીધો હતો તેની પોલીસ વિગતો મેળવી રહી છે.