ફોર વ્હીલ ભાડે લીધા બાદ વગે કરી દેતો ભેજાબાજ અઢી વર્ષે પકડાયો,અગાઉ પણ ચાર ગુના આચર્યા હતા
વડોદરાઃ ફોર વ્હીલ કોન્ટ્રાક્ટ પર લેવાના નામે શરૃઆતમાં ભાડું ચૂકવી કાર વગે કરતા ભેજાબાજને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અઢી વર્ષ બાદ ઝડપી પાડી અંકલેશ્વર પોલીસને સોંપવા તજવીજ કરી છે.
કોન્ટ્રાક્ટ પર કાર ભાડેથી મૂકવાના નામે કાર માલિકને વિશ્વાસમાં લઇ ત્રુટક ત્રુટક ભાડું ચૂકવ્યા બાદ કોઇ પણ રીતે કાર સગેવગે કરી દેવાની ગુનાહિત પ્રવૃત્તિ આચરતા દિવ્યરાજસિંહની ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી પાસેથી અટકાયત કરી હતી.
પીઆઇ આરજી જાડેજા અને ટીમની પૂછપરછ દરમિયાન દિવ્યરાજસિંહ વિજયસિંહ ચૌહાણ(પ્રતાપકુંજ સોસાયટી, કારેલીબાગ)અને તેના સાગરીતે વર્ષ-૨૦૨૧માં અંકલેશ્વરમાંથી એક બોલેરો કાર માસિક રૃ.૧૮ હજારના ભાડેથી લઇ કાર મહેસાણામાં ગીરે મૂકી દીધી હોવાની વિગતો ખૂલી હતી.
જેથી કારમાલિકે ફરિયાદ નોંધાવતા વડોદરાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.દિવ્યરાજસિંહ સામે આ રીતે કાર માલિક સાથે છેતરપિંડી કરવાના ચાર ગુના તેમજ દારૃ પી ને વાહન હાંકવા બદલ એક ગુનો નોંધાયો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.