હાઇકોર્ટનો બોગસ ઓર્ડર બનાવનાર વોન્ટેડ આરોપી ઝડપાયો
કોર્પોરેશનના મકાનો ફાળવવાના બહાને ગરીબો પાસેથી ૪.૫૫ લાખ પડાવી લીધા હતા
વડોદરા,કોર્પોરેશનના મકાનો ગરીબ લોકોને આપવાનુ જણાવી ખોટા દસ્તાવેજો બનાવી ૪.૫૫ લાખ પડાવી લેનાર વોન્ટેડ આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપીએ હાઇકોર્ટના પણ બોગસ ઓર્ડર બનાવ્યા હતા.
ગરીબ લોકોને કોર્પોેરેશનના મકાનો સસ્તી કિંમતે આપવાના બહાને પોતાના સાગરીત સાથે મળીને ખોટી કબજા પાવતીઓ ભેજાબાજ નિલકેશે બનાવી હતી. આરોપીએ લોકો પાસેથી ૪.૫૫ લાખ પડાવી લીધા હતા. આરોપીએ વુડાના લેટર પેડ પર નાયબ કલેક્ટરની ખોટી સહીઓ કરી મકાનની કબજા પાવતીઓ બનાવી હતી. જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ - ૨૦૨૩ માં ગુનો દાખલ થયો હતો.
જ્યારે અન્ય એક કિસ્સાની વિગત એવી છે કે, સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનમાં વર્ષ - ૨૦૨૨ માં પોક્સો અને દુષ્કર્મના કેસમાં આરોપી પકડાયો હતો. આ ગંભીર ગુનામાં આરોપીને જેલમાંથી છોડાવવા માટે વકીલ તરીકે આરોપીએ ઓળખ આપી નિલકેશે ૧૫.૪૭ લાખ રૃપિયા લીધા હતા. હાઇકોર્ટમાં કોઇ પિટિશન દાખલ થઇ નહીં હોવાછતાંય ખોટો રજીસ્ટ્રેશન નંબર નાંખી આરોપીએ હાઇકોર્ટનો બોગસ અને બનાવટી ઓર્ડર તૈયાર કર્યો હતો.
હરણી અને અમદાવાદ સોલા હાઇકોર્ટમાં નોંધાયેલા કેસમાં નાસતા ફરતા આરોપી નિલકેશ કૃષ્ણકાંત દેસાઇ ( રહે. ગોલ્ડન આર્ય સોસાયટી, જૂના બજાર કરજણ, મૂળ રહે. ગામ પાણેજા, દેસાઇ ફળિયું, તા. ઝઘડિયા,જિ.ભરૃચ)ને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સામે છેતરપિંડીના ૧૧ ગુનાઓ નોંધાયા છે.