ગોલ્ડન ચોકડી પાસે કારમાંથી 95 કિલો ગાંજો મળવાના કેસમાં ફરાર આરોપી અમદાવાદથી પકડાયો
વડોદરાઃ ગોલ્ડન ચોકડી પાસે ૯૫ કિલો ગાંજો મળવાના કેસમાં ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી હરણી પોલીસને સોંપ્યો છે.
ડ્રગ્સ સામે ઝુંબેશ ચલાવતી વડોદરા પોલીસના ડીસીપી પન્ના મોમાયાની દોરવણી હેઠળ બે મહિના પહેલાં પોલીસ હરણી ગોલ્ડન ચોકડી થી દેણા વચ્ચે વાહનો પર વોચ રાખી રહી હતી તે દરમિયાન એક કારમાંથી ૯૫ કિલો (રૃ.૯.૫૦ લાખ) ગાંજો મળી આવ્યો હતો.
જેથી પોલીસે ઉસ્માનમીયા નુરૃમીયા મલેક(ડ્રાઇવર)(રહે.ચંડોલા તળાવ,દાણી લીમડા,અમદાવાદ મૂળ વીજાપુર)અને રમેશજી ઉર્ફે જગ્ગુ માનસંગજી ઠાકોર(વીજાપુર, મહેસાણા) ને ઝડપી પાડયા હતા.
આ બનાવમાં મો.સલિમ અનવહહુસેન મલેકનું નામ ખૂલતાં હરણી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સહિતના સ્થળોએ તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.વેજલપુર ખાતેના મકાને સલિમ હાજર નહિં મળતાં પોલીસે ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરી ગઇરાતે જુહાપુરા ખાતેના મકાન પર વોચ રાખી તેને ઝડપી પાડયો હતો.