વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ધર્મેન્દ્રસિંહનો ભવ્ય વિજય
પેટાચૂંટણીમાં માત્ર બે જ ઉમેદવારો વચ્ચે જંગ હતો ઃ કોંગ્રેસના ઉમેદવારનો પરાજય
, તા.4 વડોદરા લોકસભા બેઠકની યોજાયેલી ચૂંટણીની સાથે સાથે યોજાયેલી વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જવંલત જીત થઇ હતી. તેમણે કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સામે ૭૮૯૩૧ મતોની લીડ સાથે ભવ્ય વિજય હાંસલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. તા.૭મેના રોજ લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ પેટાચૂંટણી યોજાઇ હતી અને બાદમાં ઇવીએમને પોલિટેકનિક ખાતેના સ્ટ્રોંગરૃમ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના માત્ર બે જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં.
આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં શરૃઆતથી જ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની લીડ પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ પુજાભાઇ ગોહિલ કરતા આગળ રહી હતી. તમામ રાઉન્ડમાં આ લીડ સતત વધતી જતી હતી અને છેલ્લે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ૭૮૯૩૧ મતોથી વિજેતા ઘોષિત થયા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ ૨૫૦૭૧૫ મતદારો નોંધાયા હતાં અને ૧૭૨૭૮૪ મતદારોનું વોટિંગ થયું હતું. જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ૧૨૭૪૪૬ અને કોંગ્રેસના કનુભાઇ ગોહિલને ૪૫૩૩૮ મતો પ્રાપ્ત થયા હતાં. જ્યારે નોટામાં ૩૯૭૨ મતો પડયા હતાં. આ બેઠક પર ૧૧૩ મતો રિજેક્ટ થયા હતાં.