વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો ભેગી કરીને વાઘોડિયા નગરપાલિકાની રચના
વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં વાઘોડિયા ઉપરાંત મડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે.
વાઘોડિયા, માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતો વડોદરા કોર્પોરેશનના વિકસિત ગણાતા વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. એટલું જ નહીં, આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, જીઆઈડીસી અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવા કરેલી દસખાસ્તને અનુમોદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે બંધારણની જોગવાઈઓ અનુસાર જે તે વિસ્તારની વસ્તી, વસ્તીની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતો તથા આઉટગ્રોથ વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે.આ સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેર ગૃહ નિર્માણ વિભાગે રજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ-વડોદરા ઝોન, વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરના અભિપ્રાય સાથે મળેલી દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. જેમણે વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની દરખાસ્ત મંજૂર કરી છે.