વુડાનું વર્ષ ૨૦૨૪-૨૫નું રૃા.૯૨૩.૨૯ કરોડના બજેટને મળેલી મંજૂરી
વુડા દ્વારા રૃા.૬૧૭.૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે ઃ વિવિધ ફી અને ગ્રાંટની આવક મેળવવા પર ભાર મૂકાયો
વડોદરા, તા.29 વડોદરા અર્બન ડેવલોપમેન્ટ એરિયા (વુડા)ની મળેલી બોર્ડ બેઠકમાં કુલ રૃા.૯૨૩.૨૯ કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. બજેટમાં વુડા વિસ્તારમાં ડેવલોપમેન્ટ માટેની યોજનાઓ રજૂ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે વુડાના મંજૂર કરાયેલા કુલ બજેટમાં રૃા.૬૧૭.૭૪ કરોડનો કેપિટલ, રેવન્યૂ અને ડિપોઝિટના રિફન્ડનો ખર્ચ બતાવવામાં આવ્યો છે આ સાથે જ પુરાંતવાળા રૃા.૩૦૫.૫૫ કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ રૃા.૯૦૭.૧૬ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં વુડાના બજેટમાં સતત વધારો થઇ રહ્યો છે.
વુડાના બજેટમાં એમિનિટિઝ ફી, ડેવલોપમેન્ટ ચાર્જ, ઇમ્પેક્ટ ફીમાં કુલ રૃા.૪૬ કરોડની આવક થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન આવાસ યોજના, જલ જીવન મિશન, પાણી અને ગટર જોડાણના ચાર્જિસ પેટે સરકાર ગ્રાંટ પેટે રૃા.૩૭૫.૫૦ કરોડ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્લાનિંગ વિભાગ દ્વારા કરાતા વિવિધ કામો માટે પણ વુડાને રૃા.૮.૮૯ કરોડ, એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરાતી કામગીરી પેટે રૃા.૯૭ લાખ આવક પ્રાપ્ત થશે.