વુડાના અધિકારીઓ જાગ્યા વુડા વિસ્તારમાં વિકાસ પરવાનગી વગર ધમધમતી અનેક મિલકતો
ચાર દિવસથી જાગેલાં વુડાએ પોતાના વિસ્તારોમાં ચેકિંગ શરૃ કર્યું ઃ ૫૦૦થી વધુ એકમો ચેક કરી ૪૧૮ને નોટિસો આપી, ૮૧ સીલ કર્યા
વડોદરા, તા.12 વડોદરા શહેરની આસપાસ વુડા વિસ્તારમાં અનેક પ્રોપર્ટીઓ વિકાસ પરવાનગી તેમજ પ્રોપર્ટીના ઉપયોગ માટેના અન્ય સર્ટિફિકેટ અને ફાયર એનઓસી વગર ધમધમતી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ વુડા વિસ્તારમાં અનેક મિલકતો ગેરકાયદે હોવાનું બહાર આવ્યું છે. વુડા દ્વારા હાલ તપાસણી દરમિયાન વિગતો બહાર આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ગેરકાયદે કેટલી મિલકતો છે તે અંગેની ચકાસણી કરવાના આદેશો આપવામાં આવ્યા હતાં. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મોટાપાયે આવી મિલકતો શોધી કાઢીને નોટિસો આપવાથી માંડી મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે મોડે મોડે જાગેલા વુડાના અધિકારીઓ હવે આવી મિલકતો શોધવા માટે બહાર નીકળ્યા છે. વર્ષોથી ઊભી થયેલી ગેરકાયદે બિલ્ડિંગોને અત્યાર સુધી તંત્રનું પીછબળ હતું તે અંગે પણ હવે ચર્ચાઓ થવા લાગી છે.
વુડાના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી ચેકિંગની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી કુલ ૫૦૦થી વધુ મિલકતો ચેક કરવામાં આવી છે જેમાં અનેક એકમો, પેટ્રોલપંપો, કંપનીઓ, ગેસ ગોડાઉન તેમજ અન્ય ગોડાઉનો અને હોટલોના બાંધકામ જ ગેરકાયદે જણાયા હતાં. વિકાસ પરવાનગી લેવામાં આવી ન હતી એટલું જ નહી પરંતુ જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ કરવા છતાં પણ ફાયર એનઓસી પણ લેવામાં નહી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસમાં ૪૧૮ એકમોને નોટિસો આપવામાં આવી છે અને ૮૧ એકમોને સીલ કરી દેવાયા છે. સીલ કરવામાં આવેલા એકમો પાસે વિકાસ પરવાનગી પણ ન હતી તેમજ સીસી, બીયુ અને ફાયર એનઓસી સર્ટિફિકેટો પણ ન હતાં. વુડા દ્વારા આઠ પેટ્રોલપંપો તો સીલ કરી દેવામાં આવ્યા છે. વુડા દ્વારા સયાજીપુરા, સાંકરદા, પદમલા, આલમગીર, જાસપુર, ચીખોદ્રા, વોરાગામડી, દશરથ, ખાનપુર અને અંકોડીયા ખાતે તપાસણી હાથ ધરવામાં આવી રહી છે. શહેર બહારના વિસ્તારોમાં આઠ પેટ્રોલપંપો, નાની કંપનીઓ, રેસ્ટોરન્ટો, ગેસ ગોડાઉન, ધાર્મિક સ્થળો અને શો મિલોને સીલ મારવામાં આવ્યા છે.