વાઘોડિયા તાલુકામાં ૯૦ મીટરના રિંગરોડ માટે કુમેઠાને જોડતી ત્રણ ટીપી સ્કીમો જાહેર કરાઇ
ત્રણે ટીપી સ્કીમોનો કુલ ૫૪૦.૪૮ હેક્ટર વિસ્તાર ઃ ઝડપથી વિકાસના પગલે મોડે મોડે પણ કાર્યવાહી હાથ ધરાઇ
વડોદરા, તા.23 વડોદરા શહેરના પૂર્વમાં નેશનલ હાઇવેની આગળ વુડા વિસ્તારમાં આવેલા કુમેઠા પંથકમાં ૯૦ મીટરના રિંગરોડ માટે તંત્ર દ્વારા મોડે મોડે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં ત્રણ ટીપી સ્કીમનો ઇરાદો વુડાએ જાહેર કર્યો છે.
વડોદરા નજીક વાઘોડિયા તાલુકામાં નિમેટા પાસે કુમેઠા અને મોરલીપુરામાં મંજૂર દ્વિતિય ડેવલોપમેન્ટ પ્લાનમાં રહેણાંક ઝોનમાં આવતી જમીનોમાં સૂચિત રસ્તાઓ પૈકી મુખ્ય ૭૫ મીટર રસ્તાઓ મળે તે માટે તેમજ આ વિસ્તારોનો ઝડપી વિકાસ થતો હોવાથી વુડા દ્વારા ટીપી નંબર૨૯ સી કુમેઠા-મોરલીપુરા ટીપી સ્કીમ બનાવવા માટેનો ઇરાદો જાહેર કર્યો છે. આ અંગેનો નિર્ણય વુડાની મળેલી બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ ટીપી સ્કીમના ૨૧૫.૨૩ હેક્ટર વિસ્તારમાં હદ વિસ્તારને પરામર્શ પણ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત વુડાની ટીપી સ્કીમ ડી કુમેઠાનો પણ ઇરાદો વુડાની બેઠકમાં જાહેર કરવામાં આવ્યો હતો. રહેણાંક ઝોનમાં આવતી જમીનોમાં સૂચિત રસ્તાઓ પૈકી મુખ્ય ૭૫ મીટરનો એનએચ-૪૮ તેમજ યોજનાને અડીને ૯૦ મીટરનો રિંગરોડ મળે તે માટે ૧૬૪.૩૬ હેક્ટરની ટીપી સ્કીમ માટેની કાર્યવાહી વુડા દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે.
કુમેઠાની જ ૨૯ ઇ ટીપી સ્કીમનો ઇરાદો પણ જાહેર કરાયો હતો. ૧૬૨.૮૯ હેક્ટર જમીનની આ ટીપી સ્કીમમાં પણ ૯૦ મીટરનો રિંગરોડ મળે તે હેતુથી વુડા દ્વારા કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી. કુમેઠા અને મોરલીપુરાને સમાવતી ત્રણે ટીપી સ્કીમોની દરખાસ્ત વુડાની બોર્ડ બેઠકમાં મૂકતા તેને બોર્ડના મેમ્બરો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે આ યોજનાને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને મંજૂરી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.