વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે આજે ૧૮૦૩ બૂથો પર વોટિંગ

સવારના સાતથી સાંજે છ વાગ્યા સુધી ૧૪ ઉમેદવારો માટે મતદાન ઃ ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ

Updated: May 6th, 2024


Google NewsGoogle News
વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે આજે ૧૮૦૩ બૂથો પર વોટિંગ 1 - image

વડોદરા, તા.6 ૧૮મી લોકસભાની રચના માટે કાલે મંગળવારે તા.૭ના રોજ સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે સાંજે છ વાગ્યા સુધી મતદાન દરમિયાન વડોદરાના૧૪ ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થશે. જો કે ગરમીનું પ્રમાણ વધારે  હોવાથી મતદાન કેવુ  રહેશે તે અંગે લોકોમાં તેમજ તંત્રમાં ચર્ચાઓ થવા લાગી છે.

વડોદરા લોકસભા બેઠક હેઠળ આવેલી સાત વિધાનસભા બેઠકોના કુલ મતદારોની સંખ્યા ૧૯,૪૯,૫૭૩ છે જેઓ મતદાન કરી શકે તે માટે શહેરી વિસ્તારમાં ૧૨૮૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૨૧ મળી કુલ ૧૮૦૩ મતદાન મથકો નિર્ધારીત કરવામાં આવ્યા છે તેમ જણાવી જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે જણાવ્યું હતું કે વડોદરા બેઠકના કુલ મતદારોમાં ૯,૯૫,૦૮૩ પુરુષો અને ૯,૫૪,૨૬૦ સ્ત્રી તેમજ ૨૩૦ અન્ય (નાન્યવર જાતિ) મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાની પરંતુ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ડભોઇ અને પાદરા તેમજ ભરૃચ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ કરજણ વિધાનસભા મળીને કુલ ત્રણ બેઠકોમાં પણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ડો.હેમાંગ જોશી, કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર સહિત અન્ય પક્ષો તેમજ અપક્ષો સહિત ૧૪ ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. આવતીકાલે કેટલું મતદાન થશે તે અંગેની ચર્ચાઓ આજથી જ શરૃ થઇ ગઇ છે. વડોદરામાં વધુમાં વધુ મતદાન કરાવવા માટે પ્રયત્નો થયા હતા હવે તે સફળ થશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓ થવા લાગી છે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો છે એટલે મતદાન કરવા માટે કુલ ૧૧ કલાક મળશે.

સાંજના છ વાગે જે તે મતદાન મથકે કતારમાં ઉભેલા મતદારો મતદાન કરી શકે ત્યાં સુધી મતદાન ચાલુ રહેશે સાંજે છ વાગ્યા બાદ કોઇ વધારાનો મતદાર કતારમાં દાખલ કરાય નહીં. ઉલ્લેખનિય છે કે સવારના સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થવાનો હોવાથી આજે સવારથી જ મતદાન માટેની સામગ્રી લઇને કર્મચારીઓ જે બુથ પર ફરજ બજાવવાની છે ત્યાં રવાના થયા હતાં.




Google NewsGoogle News