ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂટણી, વડોદરામાં ૨૪૧ મતદારોએ મતદાન કર્યું
વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ કેટેગરીની બેઠકો માટે સમગ્ર ગુજરાતમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે.વડોદરામાં ડીઈઓ કચેરી ખાતે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સરકારી સ્કૂલના હાઈસ્કૂલના શિક્ષકની કેટેગરી (ખંડ-૭)માટે વડોદરામાં ૭૦ મતદારો નોંધાયા હતા અને આ પૈકીના ૬૭ શિક્ષકોએ મતદાન કરતા આ કેટેગરીમાં વડોદરામાં ૯૪ ટકા મતદાન થયું હતું. આ કેટેગરીમાં ચેતનાબેન ભગોરા, દિવ્યરાજ જાડેજા, રાજેશકુમાર જોધાણી, વિજયભાઈ ખટાણા ચૂંટણી લડી રહ્યા છે.
જ્યારે સંચાલક મંડળની બેઠક( ખંડ-૮) માટે વડોદરામાં કુલ ૨૫૭ મતદારો નોંધાયેલા હતા અને આ પૈકીના ૧૭૪ મતદારોએ મતદાન કર્યું હતુ.આમ આ કેટેગરી માટે ૬૫ ટકા જેટલુ મતદાન થયું હતુ.સંચાલક મંડળના સભ્યની ચૂંટણીમાં જયંતિ પટેલ, પ્રિયવદન કોરાટ, મેહુલભાઈ પરવડા મેદાનમાં છે.
ચૂંટણીના પ્રિસાઈડિંગ ઓફિસર અને અધિકારી ડો.અવની બારોટે કહ્યું હતું કે, સવારે આઠ વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યું હતું.બંને કેટેગરીમાં કુલ મળીને ૩૨૭ મતદારો નોંધાયા હતા અને તેમાંથી ૨૪૧ મતદારોએ મતદાન કર્યું હતું.સંચાલક મંડળ કેટેગરી કરતા હાઈસ્કૂલ શિક્ષકની કેટેગરી માટે મતદાન કરવાનો ઉત્સાહ વધારે જોવા મળ્યો હતો.