મતદાન માટે મતદારોએ સૌથી વધુ ચૂંટણીકાર્ડનો ઉપયોગ કર્યો
ચૂંટણીકાર્ડ બાદ સૌથી વધુ આધારકાર્ડનો ઉપયોગ ઃ પાસપોર્ટ સહિતના અન્ય પુરાવા પણ રજૂ કરાયા
વડોદરા, તા.8 વડોદરા લોકસભા અને વાધોડિયા વિધાનસભા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ ઓળખના પુરાવા તરીકે સૌથી વધુ ચૂંટણીશાખા દ્વારા આપવામાં આવેલા ચૂંટણીકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા નંબરે મતદારોએ આધારકાર્ડ ઓળખ માટે રજૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા બેઠક પર નોંધાયેલા કુલ ૧૯૪૯૫૭૩ મતદારો પૈકી ૧૨૦૦૭૬૮ મતદારોએ વોટિંગ કર્યું હતું. વોટિંગ દરમિયાન ઓળખના પુરાવા તરીકે કુલ ૧૨ દસ્તાવેજોને ચૂંટણીપંચ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. મતદારો દ્વારા મતદાન માટે વિવિધ ઓળખના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં જેમાં સૌથી વધુ ચૂંટણીશાખા દ્વારા અપાયેલા એપીક કાર્ડનો ઉપયોગ મતદારો દ્વારા થયો હતો. કુલ મતદારો પૈકી ૮૬૯૫૯૧ મતદારોએ એપીક કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
ત્યારબાદ બીજા નંબરે સૌથી વધુ ૩૦૪૨૮૧ મતદારોએ આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે મતદાન બૂથ પર રજૂ કર્યા હતાં. આ ઉપરાંત મતદારો દ્વારા ઓળખના પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, હેલ્થ ઇન્સ્યૂરન્સ સ્માર્ટ કાર્ડ, પાસપોર્ટ, પેન્શન ડોક્યૂમેન્ટ, કર્મચારીનું આઇકાર્ડ, સાંસદ અથવા ધારાસભ્યએ આપેલ ઓળખકાર્ડ, દિવ્યાંગ ઓળખપત્ર તેમજ મનરેગા ઓળખપત્રનો ઉપયોગ કરાયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે મતદાન દરમિયાન ૭૧ ટેન્ડર વોટ પણ પડયા હતાં. જ્યારે ૧૭ અંધજનોએ પણ વોટિંગ કર્યું હતું.