Get The App

વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં તરવૈયાઓ પાસેથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું શરૂ કરાયું

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પૂલમાં તરવૈયાઓ પાસેથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું શરૂ કરાયું 1 - image


Vadodara Corporation Swimming Pool : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વડી વાડી ખાતેના સરદારબાગ સ્વિમિંગ પૂલમાં થોડા દિવસ અગાઉ સાંજે સ્વિમિંગ કરવા આવેલી 60 વર્ષની મહિલાને ગભરામણ થયા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હવે શહેરના ચારેય સ્વિમિંગ પૂલ ખાતે આવતા આજીવન સભ્યોનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથેનું કેવાયસી પ્રકારનું નવું કાર્ડ આપવાનું નક્કી કર્યું છે. આ માટેના ફોર્મ જારી કરવામાં આવ્યા છે જે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ફોર્મ સ્વરૂપે જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તરવૈયાઓને આપવામાં આવ્યું છે તેના પર એમબીબીએસ અથવા એમડી થયેલા પોતાના ડોક્ટરના સહી સિક્કા કરાવવા પડશે. જેમાં ડોક્ટર પોતે એવું જાહેર કરશે કે તરવૈયા સ્વિમિંગ માટે મેડિકલી ફિટ છે અને કોઈ ગંભીર શારીરિક તકલીફની હિસ્ટ્રી ધરાવતા નથી.

આ સર્ટિફિકેટમાં એલર્જી, અસ્થમા અથવા છાતીની અન્ય સમસ્યા, હૃદય તથા શ્વસન રોગ, ડાયાબિટીસ ,હાઈપર ટેન્શન, જાતીય રોગ અથવા ત્વચાનો રોગ, ચક્કર અથવા વાઈ, સ્નાયુ ખેંચાણ, શારીરિક રીતે સક્ષમ, માનસિક અક્ષમતા ઉપરાંત જો બીજો કોઈ રોગ હોય તો તે પણ લખવામાં આવશે. આ તમામ રોગમાંથી જે કોઈ લક્ષણ હશે તે ડોક્ટર લખી આપશે. આ સર્ટિફિકેટ પર ફોટો પણ ચોંટાડવાનો રહેશે. જે કેવાયસી ફોર્મ ભરવાનું છે તેમાં પણ તમામ વિગતો સાથે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફોટા સાથે જોડવાનું રહેશે અને 12 વર્ષથી નીચેના બાળકો માટે માતા પિતાનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કારેલીબાગ, સરદારબાગ, રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ અને લાલબાગ મળી કુલ ચાર સ્વિમિંગ પૂલ ખાતે આજીવન સભ્યોની સંખ્યા આશરે 9,665 છે. જ્યાં તરવૈયાઓ દ્વારા મેડિકલ સર્ટિફિકેટને કેવાયસી ફોર્મ સબમીટ કરવાનું શરૂ કરાયું છે.


Google NewsGoogle News