વડોદરા કોર્પોરેશને આજવા સરોવરમાંથી જંગલી વેલા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી : 90 જેટલા ટ્રેક્ટર ભરી કચરો નિકળાયો
વડોદરા,તા.20 ફેબ્રુઆરી 2023,સોમવાર
વડોદરા શહેરમાં પાણીના મહત્વના સ્ત્રોત પૈકીનું એક આજવા સરોવર ખાતે કોર્પોરેશન દ્વારા અહીં ઉગી નીકળેલા જંગલી વનસ્પતિ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રતિ વર્ષ ચોમાસા પછી કોર્પોરેશન આજવા તળાવમાંથી જંગલી વનસ્પતિ દૂર કરતું હોય છે. ચાલુ વર્ષે મહિના અગાઉ અહીં વિડ કટર મશીન દ્વારા વેલા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યાં વેલાનું પ્રમાણ ઓછું થયા બાદ આ કામગીરી બંધ કરાઈ હતી. એ પછી છેલ્લા ચારેક દિવસથી કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે. આજવા ખાતેના ડેપ્યુટી એન્જિનિયર દર્શિલ મહેતાએ જણાવ્યું હતું કે, આ જંગલી વેલાને દૂર કરવામાં ન આવે તો વેલો તેનો કલર પાણીમાં છોડતું હોય છે જેથી આજવા ટાંકીમાંથી પાણી મેળવતા વિસ્તારમાં ક્યારેક પીળું પાણી આવતું હોવાનું બૂમો ઊઠે છે. તકેદારીના ભાગરૂપે તંત્રએ અહીં વેલા દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. જેથી આગામી દિવસોમાં કમાન્ડ વિસ્તારમાં પીળા પાણીનો પ્રશ્ન ઉભો થાય નહીં. તળાવની મધ્યમાં મશીન દ્વારા તથા નજીકના ટાવરના ભાગે માણસો મૂકી વેલા દૂર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી અંદાજે 90 જેટલા ટ્રેક્ટર ભરી વેલા દૂર થયા છે.