વીએમસી સોયા, વડોદરા રોયા ઃ કોર્પો.માં કાળા કપડાં પહેરી મોરચાનો હંગામો
કમિશનરની ગાડી ઘેરી લીધી : ભરેલા પાણીનો નિકાલ કરવા, ટીપી ૩૧ મંજૂર કરવા અને રોડના એપ્રોચનો મુદ્દો ઊઠાવ્યો
વડોદરા,વડોદરા શહેરમાં ભારે વરસાદ અને પૂર બાદ સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને હજુ પણ ઘણા એવા વિસ્તારો છે ત્યાં પાણી ઉતર્યા નથી, અને લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. આજે શહેરના દક્ષિણ વિસ્તારમાં વોર્ડ નંબર ૧૨ ના વિસ્તારની વિવિધ સોસાયટીના લોકો મોરચા સ્વરૃપે કોર્પોરેશનમાં આવ્યા હતા અને કોર્પોરેશનની બહાર હંગામો મચાવી સૂત્રોચ્ચાર કર્યો હતો, અને મ્યુનિસિપલ કમિશનરની ગાડી પણ ઘેરી લીધી હતી.
જો કે કમિશનરે ગાડીમાંથી નીચે ઊતરીને તેઓને પોતાની ઓફિસમાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ત્યાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. દરમિયાન સનસીટી એક્ઝોટિકા, બાલાજી પાર્ટી પ્લોય, વિશ્વામિત્રી ટાઉનશીપ, કંચનપુરા, દુર્ગા હાઈટ્સ વગેરે સોસાયટીઓના રહીશો કાળા કપડાં પહેરીને વિરોધ સ્વરૃપે કીર્તિસ્તંભથી ચાલતા કોર્પોરેશનની ઓફિસે આવ્યા હતા. તેઓના હાથમાં પ્લે કાર્ડ પણ હતા જેમાં વીએમસી સોયા, વડોદરા રોયા, વિશ્વામિત્રી પ્રોજેક્ટ લાવો, વડોદરા બચાવો,ટીપી ૩૧ કરો જેવા સૂત્રો પણ લખેલા હતા.
લોકોનું કહેવું છે કે પૂર ઉતર્યાને અઠવાડિયું થઈ ગયું, છતાં અમારા વિસ્તારમાં હજી પાણી ભરેલા છે. વારંવાર ફોન કરવા છતા તંત્રમાંથી કોઈ આવતું ન હતુ. દવા છાંટવા કરવા કોઈ આવ્યું નથી. અમને ફૂડ પેકેટો મળ્યા નથી. લોકો ભૂખ્યા તરસ્યા હતા અને પાણીની વ્યવસ્થા કરી ન હતી. ઘરમાં પાંચ પાંચ ફૂટ સુધી પાણી ભરેલા હતા. સરકારે ૧૨૦૦ કરોડ ફાળવ્યા છે, તેના ખર્ચાનો હિસાબ જાહેર કરવો જોઈએ.
એક મહિલાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના ભ્રષ્ટ નેતાઓને ત્યાં ફૂડ પેકેટ પહોંચ્યા હતા. ટીપી ૩૧ ફાઈનલ કરવાની વર્ષો જૂની માંગણી છે, હજુ સુધી એ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નથી. દરમિયાન કમિશનરે મોરચાના આગેવાનો સાથે પોતાની ચેમ્બરમાં ચર્ચા કર્યા બાદ જણાવ્યું હતું કે આગેવાનોએ પોતાના કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે. તેઓનું કહેવું એવું છે કેવિસ્તારમાં હજુ દોઢ ફૂટ જેટલા પાણી ભરેલા છે. પાણીના હંગામી નિકાલની વ્યવસ્થા કરવા માટે જેટલા જરૃરી હશે તેટલા પંપો મુકવામાં આવશે.
છેલ્લા ત્રણ દિવસથી પંપો ચાલુ કર્યા છે. ભારે વરસાદથી આ વિસ્તારમાં આ વખતે હજી ઉપરવાસમાંથી પાણી ભરેલા હોવાથી હજી આવતું હોય તેમ લાગે છે. ક્યાંથી કેટલું પાણી આવે છે તેનો સર્વે કરાવ્યો છે, પાણી નિકાલ માટે કેટલા પમ્પો જોઈશે તે મુજબ કામગીરી કરવામાં આવશે. તેઓએ રસ્તાના એપ્રોચનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. આ ઉપરાંત ટીપી ૩૧ મંજૂર કરવા માંગણી કરી છે. આ બંને લાંબાગાળાના પ્રશ્નો છે.