તંત્ર કહે છે રોગચાળો નથી..!! પરંતુ વડોદરામાં સ્થાયી સમિતિ અધ્યક્ષે તાત્કાલિક બેઠક બોલાવવી પડી
Vadodara Corporation : વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સાથે પૂર નિયંત્રણ અંગે પણ જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં ચામાસાની ઋતુ શરૂ થવાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપક રીતે વધવા લાગ્યો છે. તાજેતરમાં પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યો હતો કે, વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇન્કાર કરી રહ્યું છે. તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણ કરવા આવશ્યક પગલાં લેવા હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ આજે ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક બોલાવી હતી. જેમાં ડેપ્યુટી કમિશનર, સીટી એન્જિનિયર, તમામ એએમસી, તમામ વોર્ડ ઓફિસર, આરોગ્ય વિભાગના તમામ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોગચાળા સંબંધિત તેઓએ વિવિધ સ્તરે ચર્ચા કરવા ઉપરાંત હાલ રોગચાળા અંગે ઉદ્ભવેલી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. આ ઉપરાંત જો શહેરમાં પુર જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે તો તે માટે તંત્ર કેટલું એલર્ટ છે ? અને તાત્કાલિક ધોરણે કેવા પગલાં લઈ શકાય તેમ છે? તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.