હરણી લેક ઝોન દુર્ઘટના ઇફેક્ટ: વાયરીંગ સહિતની કેટલીક ક્ષતિઓને કારણે કોર્પોરેશન દ્વારા રાત્રી બજાર બંધ રાખવા 31 વેપારીને નોટિસ
વડોદરા,તા.27 જાન્યુઆરી 2024,શનિવાર
વડોદરાના હરણી લેક ઝોનમાં બોટ ઊંધી વળી જતા સર્જાયેલી કૃણાંતિકામાં સલામતીના ગંભીર છબરડા બહાર આવ્યા બાદ કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી અચાનક જાગેલા કોર્પોરેશનના તંત્રએ કારેલીબાગ રાત્રી બજારની 31 ખાણીપીણીની દુકાનોમાં કેટલીક ગંભીર ક્ષતિઓના કારણે તાત્કાલિક ધોરણે દુકાનો બંધ કરી દેવા નોટિસો ફટકારવામાં આવી છે. જોકે આવી ગંભીર ક્ષતિઓ તો કારેલીબાગ રાત્રી બજારના પ્રારંભથી જ ચાલી આવતી હોવાની બાબત ચર્ચાની એરણે ચડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હરણી લેક ઝોન દુર્ઘટનાની કરૂણાંતિકા તાજેતરમાં સર્જાઈ હતી. જેમાં સલામતીના કારણો સહિત અન્ય કેટલીક ગંભીર ક્ષતિઓનો પડદા પાસ થયો હતો. પરિણામે પાલિકા તંત્ર પર માછલા ધોવાનું શરૂ થયાની ચર્ચાએ શહેરભરમાં ભારે ચર્ચા જગાવી હતી અને પોતાના બાળકો ગુમાવનાર વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રના અધિકારીઓ દુર્ઘટના સ્થળે જે તે વખતે પહોંચી ગયા હતા. જેમાં તપાસ દરમિયાન કેટલાક બાળકોને સેફટી જેકેટ નહીં પહેરાવ્યા હોવાનું જણાયું હતું. પાલિકા સ્થાયી અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ ભાંગરો વાટીને કહ્યું હતું કે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લોચો મારતા જણાવ્યું હતું કે બોટમાં બાળકો ધમાલ મસ્તી કરતા હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી. આમ તંત્ર દ્વારા દુર્ઘટનાના આરોપીઓને આડકતરી રીતે છાવરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, અંતે છ આરોપીઓ સામે પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધાયા બાદ સમયાંતરે કુલ 19 આરોપીઓ સામે દુર્ઘટના અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ આદરી કથીત સૂત્રધાર પરેશ શાહ સહિત તેના સાઢુભાઈ ગોપાલ શાહ મળીને દસેક જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અદાલતમાંથી પોલીસે આરોપીઓના રિમાન્ડ પણ મેળવ્યા હતા. માં સઘન પૂછપરછમાં ગંભીર છબરડાઓની વિગતો પણ બહાર આવી હોવાનું કહેવાય છે.
ત્યારબાદ શહેરીજનોના રોષના ભોગથી બચવા અને સતર્કતાના ભાગરૂપે પાલિકા તંત્રએ ઠેર ઠેર સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં જર્જરીત છ જેટલી સ્કૂલોને નોટિસો ફટકારવામાં આવી હતી. ત્યારબાદ કારેલીબાગ રાત્રી બજારના પ્રારંભથી જ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી લાલિયાવાડી અને તંત્રના આખ આડા કાનને કારણે ખાણીપીણીના દુકાનદારોને છુટ્ટો દોર મળી ગયો હતો.
પરંતુ હરણી બોટ દુર્ઘટના બાદ રાત્રી બજારમાં રાતોરાત સઘન ચેકિંગ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગની દુકાનોના લાઈટના વાયરો બહાર લટકતા હોવાનું અને કેટલાક વેપારીઓ ખુરશી ટેબલ દુકાનની બહાર રાખીને દબાણ કરતા હોવાનું પણ જણાયું હતું આ ઉપરાંત ગેસ સિલિન્ડરો પણ બહાર રાખીને જે તે જગ્યાએ ખાણીપીણીની ચીજો બનાવતા હોવાનું પણ તંત્રના ધ્યાન પર આવ્યું હતું. આ ઉપરાંત અન્ય પણ કેટલીક ક્ષતિઓ જણાઈ આવી હતી. જ્યારે કેટલીક ખાણીપીણીની દુકાનો પાસે અવારનવાર તકરાર અને ઝઘડા પણ થતા હોવાનું પાસમાં બહાર આવ્યું હતું. પરિણામે 31 જેટલી ખાણીપીણીની દુકાનદારોને તાત્કાલિક ધોરણે નોટીસો ફટકારીને બે દિવસમાં તમામ ક્ષતિઓનું નિરાકરણ લાવવા જણાવાયું હતું અન્યથા આ ખાણીપીણીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ રાખવા જણાવ્યું છે.