કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે ૯૪૫૪ ઉમેદવારોને ફોર્મ રદ થતા ૨૨.૧૬ લાખ પરત અપાશે

તા.૮ના રોજ ૫૫૨ જગ્યા માટે ૧.૦૮ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
કોર્પોરેશનની જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે  ૯૪૫૪ ઉમેદવારોને ફોર્મ રદ થતા ૨૨.૧૬ લાખ પરત અપાશે 1 - image

વડોદરા.વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગની ૫૫૨ જગ્યા માટે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૮ના રોડ લેવાશે. આ પરીક્ષા આશરે ૧.૦૮ લાખ ઉમેદવારો આપવાના છે. કુલ ૯૪૫૪ ઉમેદવારોના ફોર્મ રદ થતા તેઓએ ભરેલા ફીના નાણા પરત આપી દેવામાં આવશે.

આ પરીક્ષાના કેન્દ્રો અમદાવાદ શહેર અને ગ્રામ્ય, આણંદ, ખેડા અને ગાંધીનગર રાખવામાં આવ્યા છે. પરીક્ષા માટે ફોર્મ ભરનાર ઉમેદવારો પૈકી ૯૪૫૪ ના ફોર્મ રદ થયા હતા. જેમાં ૭૮૨૪ ઉમેદવારો ઓબીસી, એસસી-એસટીના તથા ૧૬૩૦ જનરલ કેટેગરીના હતા. ઓબીસી વગેરે ઉમેદવારો માટેની ફી ૨૦૦ રૃપિયા અને જનરલ કેટેગરી માટેની ૪૦૦ હતી. ઉમેદવારોની માગ હતી કે ફોર્મ રદ થયા છે, તો ફી પરત આપી દો. જેથી કોર્પોરેશને એવો નિર્ણય કર્યો છે કે, આ ઉમેદવારોની ફોર્મ ફી પરત આપી દેવી. ઉમેદવારોને ૨૨,૧૬,૮૦૦ પરત આપી દેવાશે. આ માટે ઉમેદવારોએ તેમની બેન્કની જરૃરી ડિટેલ આપવાની રહેશે અને ૧૫ દિવસમાં રકમ જે તે ઉમેદવારના ખાતામાં ઓનલાઈન જમા થઈ જશે, તેમ ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.

કોર્પોરેશનમાં આ ભરતી પ્રક્રિયા ફેબુ્રઆરી ૨૦૨૨ માં શરૃ કરી હતી. જેના ૨૦ મહિના બાદ હવે લેખિત પરીક્ષા લેવાશે. ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ૧.૦૮ લાખથી વધુ નોકરી માટે ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરાયા બાદ લેખિત પરીક્ષા ખાનગી એજન્સી દ્વારા લેવાનું નક્કી થયું હતું, પરંતુ અગાઉની ભરતીમાં વિવાદ સર્જાતા કોર્પોરેશને ગૌણ સેવા મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવે તેવો નિર્ણય કર્યો હતો, અને તેની જાણ મંડળને કરી હતી. જેના કારણે પરીક્ષા લેવામાં વિલંબ થયો છે.

આ ૫૫૨ જગ્યાઓ પૈકી શારીરિક ખોડખાપણ ધરાવતા એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે ૨૩ જગ્યા અનામત રાખવામાં આવી છે.

અત્રે યાદ આપવુ જરૃરી છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ ૫૦ થી ૬૦ ટકા વચ્ચે આવનાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેઓના ફોર્મ મંજુર રાખ્યા છે જેથી ૩૫૦ જેટલા ઉમેદવારને ફાયદો થયો છે. જ્યારે છેલ્લી ઘડીએ ૯૦૦૦ થી વધુ ફોર્મ રદ થતા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.


Google NewsGoogle News