વડોદરાના પે એન્ડ પાર્ક માં વાહન ચાલકો પાસેથી મનસ્વી રીતે પાર્કિંગ ફી ઉઘરાવતા કોન્ટ્રાક્ટરો સામે કોર્પોરેશનનું તંત્ર ચૂપ
- ખંડેરાવ માર્કેટમાં કોર્પોરેશનનું પાર્કિંગ ઓછું પડે છે તેમ છતાં કોન્ટ્રાક્ટરને કમાણી કરી આપવા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવાથી વિવાદ
વડોદરા,તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
વડોદરા શહેરમાં પે એન્ડ પાર્ક ના કોન્ટ્રાક્ટરો દ્વારા મનસ્વી રીતે પાર્કિંગ ફી વસુલાત કરે છે છતાં કોર્પોરેશનનું તંત્ર આવા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી કરતું નથી. કોર્પોરેશન દ્વારા અપાતા પાર્કિંગના કોન્ટ્રાક્ટમાં સામાન્ય નાગરિકને પોસાય તેવી ફી રાખવામાં આવતી હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો રૂ.10 કે 20 ના બદલે ડબલ ભાવ વસૂલ કરે છે.
કોર્પોરેશન દ્વારા ફરી એકવાર ખંડેરાવ માર્કેટમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે જેથી વિવાદ સર્જાયો છે કે કોર્પોરેશન પાસે જ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા નથી અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરને કમાણી કરવી રહી છે.
ખંડેરાવ માર્કેટના આગળના ભાગમાં નિયત કરાયેલી ખુલ્લી જગ્યામાં પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ જાહેર હરાજી થી એક વર્ષ માટે આપવા માટે અંગે પાલિકા દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. જોકે કેટલીક જગ્યાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયા બાદ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાળજી લેવામાં આવતી નથી કે આકસ્મિક ચેકિંગ પણ કરવામાં આવતું નથી. પરિણામે વાર તહેવારે કોન્ટ્રાક્ટરો દ્વારા પે એન્ડ પાર્કના ભાવ પણ કેટલીવાર ડબલ જેટલા વસૂલ કરવામાં આવે છે અને પાવતીઓ આપવામાં પણ આવતી નહિ હોવાની ફરિયાદો ઉઠી છે. આમ વાર તહેવારે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવો પાર્કિંગ ચાર્જ વસૂલ કરે છે.
ખંડેરાવ માર્કેટ આગળના ભાગમાં આવેલી નિયત જગ્યામાં જાહેર હરાજી થી પે એન્ડ પાર્ટનો કોન્ટ્રાક્ટ આપવા માટે રૂપિયા 10 લાખ ભરવાના રહેશે અને આ અંગેના અરજી ફોર્મ પાલિકા કચેરીએથી કામકાજના દિવસો દરમિયાન મેળવીને તા. 20 સુધીમાં અરજી ફોર્મ પરત કરવાના રહેશે.