વડોદરામાં મહી નદી ખાતે કોર્પોરેશને ત્રણ ફ્રેન્ચ કુવામાંથી લેવાતા પાણી માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જરૂરી

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
વડોદરામાં મહી નદી ખાતે કોર્પોરેશને ત્રણ ફ્રેન્ચ કુવામાંથી લેવાતા પાણી માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જરૂરી 1 - image


- રાયકા, પોઇચા અને ફાજલપુર કુવાથી લેવાતા પાણી શુદ્ધ કરવા વર્ષોથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રજૂઆત થાય છે

વડોદરા,તા.6 નવેમ્બર 2023,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહી નદીથી શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત ઐતિહાસિક આજવા સરોવરથી પણ શહેરને પાણી અપાય છે. આજવા સરોવરથી મળતા પાણીને શુદ્ધ કરવા માટે નિમેટા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, પરંતુ મહી નદીથી જે પાણી મળે છે તેમાં રાયકા, પોઇચા અને ફાજલપુર ફ્રેંચ કુવાથી અપાતા પાણી માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. આ ત્રણેય કુવાથી શહેરીજનોને પાણી આપવામાં આવે છે તેનું માત્ર જે તે ઓવરહેડ ટાંકી ખાતે ક્લોરીનેશન કરવામાં આવે છે.

વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાય વખતથી રજૂઆત થાય છે કે મહી નદી ખાતેના આ ત્રણેય કુવા ખાતે કોર્પોરેશને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જોઈએ. જો આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા હોત તો છેલ્લા ચાર પાંચ દિવસથી શહેરીજનોને જે દૂષિત પાણી મળી રહ્યું છે તે પીવાનો વારો ન આવત. મહી નદી સ્થિત દોડકા, ખાનપુર અને સિંધરોટ વેલ ખાતે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાના કહેવા મુજબ અગાઉ કોર્પોરેશનના બજેટ વખતે પણ રજૂઆત કરવામાં આવી હતી કે મહી નદીમાં સિંધરોટ સુધી દૂષિત પાણી પહોંચી ગયા છે, અને જો કોર્પોરેશન જાગ્રત નહીં બને તો આ દૂષિત પાણી ફ્રેંચ કુવાઓ સુધી પણ પહોંચી જશે. આ જે દહેશત જે તે સમયે વ્યક્ત કરી હતી તે હાલ સાચી પડી છે .કોર્પોરેશન પાસે હાલ કોઈ વિકલ્પ જ નથી એટલે આ ત્રણ કુવાનું ટ્રીટ થયા વિનાનું પાણી માત્ર ક્લોરીનેશન કરીને આપવું પડે છે. વર્ષો અગાઉ આ ફ્રેન્ચ કૂવામાં પાણી તેની ડિઝાઇન મુજબ રેતીમાંથી ગળાઈને મળતું હતું. પરંતુ હવે કુવાના રેડીયલ બરાબર કાર્યરત નથી એવો આક્ષેપ તેમણે કર્યો હતો.


Google NewsGoogle News