વડોદરામાં ધારાસભ્યની રજૂઆત બાદ કોર્પોરેશનનું તંત્ર શુક્રવારી બજારના દબાણો હટાવવા ફરી એક્શનમાં
વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર
વડોદરા શહેરના ફતેપુરા પાંજરીગર મહોલ્લાથી ભૂતડીઝાપા બાલગોપાલમ-રિમાન્ડ હોમ સુધી શુક્રવારે બજાર માટે જગ્યા ફાળવવામાં આવી છે. આમ છતાં લારી ગલ્લા પથારાવાળાઓએ કાસમઆલા બ્રીજ તરફના રસ્તે અડીંગો જમાવી વેપાર ધંધો શરૂ કર્યાની જાણ થતા જ પાલિકાની દબાણ શાખાએ ફાળવાયેલી જગ્યાથી વધુ જગ્યાઓએ લારી ગલ્લા પથારાવાળાઓ દબાણ કરતા પાલિકા તંત્રની દબાણ શાખાએ સપાટો બોલાવીને વધારાની જગ્યામાં દબાણ કરનારા લારી ગલ્લા પથારા વાળાઓને ખદેડી દીધા હતા.
દર શુક્રવારે ભરાતા શુક્રવારી બજારમાં હવે એન્ટીક ચીજ વસ્તુઓના બદલે તમામ વસ્તુઓના પથારા લાગતા હોય છે. જે અંગે તાજેતરમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે રજૂઆત તો કરી હતી તે બાદ ફરી એકવાર કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને કારેલીબાગ તરફના વિસ્તારમાં શુક્રવારે બજારના પથારા લગાડનારાઓને હટાવી દઈ ફરી આ વિસ્તારમાં નહીં બેસવા માટે ફરજ પાડી છે. તો બીજી બાજુ શુક્રવારીના પથારા છેક કારેલીબાગ પોલીસ સ્ટેશનની દિવાલની આસપાસ બેસતા થઈ ગયા છે પરંતુ પોલીસ પણ તેઓને હટાવી શકતી નથી.