વડોદરામાં ગણેશોત્સવના તહેવારને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગનું ચેકીંગ: 120 નમૂના લીધા, 127 કિલો ફરાળી લોટ જપ્ત

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ગણેશોત્સવના તહેવારને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગનું ચેકીંગ: 120 નમૂના લીધા, 127 કિલો ફરાળી લોટ જપ્ત 1 - image

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

ઉત્સવ પ્રિય શહેરીજનોના વડોદરામાં ગણેશોત્સવનાં તહેવાર નિમિત્તે જાહેર જનતાનાં આરોગ્યને ધ્યાને રાખી વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મિઠાઇ તેમજ ફરસાણ સહિત અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા મિઠાઇ-ફરસાણ સહિતની દુકાનોમાં સઘન ચેકિંગનીની કામગીરી કરવામાં આવી હતી.

ચેકિંગની આ કામગીરી દરમ્યાન મોદક, મોતિચુરનાં લાડુ, બુંદીના લાડુ, બુંદી, ઘી, તેલ, બેસન સહિતનાં મળીને કુલ 120 નમુના લેવામાં આવ્યા હતા. શહેરના હાથીખાનાં માર્કેટ યાર્ડ ખાતેની રીટેલ-હોલસેલ દુકાનોમાં ફરાળી લોટનું ચેકીંગ કરીને 3-નમુના લેવામાં આવ્યા હતા. તેમજ રૂપિયા 7,620નો કુલ-127 કિલો જથ્થો સીઝ કરવામાં કર્યો હતો. આ ઉપરાંત ખોરાક શાખા દ્વારા કુલ 9 ફુડ બીઝનેસ ઓપરેટરોને લાયસન્સ તથા રજીસ્ટ્રેશન સ્થગીત કરવાની ઇમ્પ્રુવમેન્ટ નોટીસો આપવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશોત્સવનાં તહેવાર નિમિત્તે જાહેર જનતાનાં આરોગ્યને ધ્યાને રાખી પાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્ય સહિત ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની જુદી-જુદી ટીમો બનાવી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલ મિઠાઇ-ફરસાણનું વેચાણ કરતા દુકાનોમાં ઇન્સ્પેકશનની સઘન કામગીરી કરવામાં આવી હતી.

ગણેશોત્સવ તહેવારને અનુલક્ષીને ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની જુદી-જુદી ટીમો બનાવી વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તાર જેવા કે, ખંડેરાવ માર્કેટ, કારેલીબાગ, દાંડીયાબજાર, માંજલપુર, મકરપુરા, તરસાલી, ચોખંડી, મુજમહુડા, અટલાદરા, ઓ.પી.રોડ, દિવાળીપુરા, ઉમા ચાર રસ્તા, સુભાનપુરા, વારસીયા, માંડવી, ચાંપાનેર દરવાજા, આજવા રોડ, હરણી રોડ, વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ, ગોત્રી, વાસણા રોડ વિગેરે વિસ્તારોમાં મિઠાઇ-ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગની કામગીરી કરવામા આવી હતી.  

આ ઇન્સ્પેકશન દરમ્યાન મોદક, મોતિચુરનાં લાડુ, બુંદીના લાડુ, બુંદી, ઘી, તેલ, બેસન સહિત 120 નમુના લેવામાં આવ્યા હતા. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી દેવાયા હતા. વધુમાં વડોદરા શહેરનાં હાથીખાનાં વિસ્તારના માર્કેટ યાર્ડ ખાતે રીટેલ તેમજ હોલસેલ દુકાનોમાં ફરાળી લોટનું ચેકીંગ પણ કરાયું હતું. જે ચેકીંગ દરમ્યાન ફરાળી લોટનાં 3 નમુના લેવામાં આવ્યા હતા. આ નમુનાઓને પણ પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા તથા રૂપિયા 7,620નો 127 કિલોગ્રામ ફરાળી લોટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News