વડોદરામાં ગોરવા-લક્ષ્મીપુરા વિસ્તારમાં ડમ્પરે જીવલેણ અકસ્માત કરતા તાત્કાલિક સ્પીડ બ્રેકરો બનાવવા પડ્યા
Vadodara News : વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરી ડમ્પર સહિત ભારદારી વાહનો દોડતા હોવાથી અકસ્માતોના જીવલેણ બનાવો બની રહ્યા છે. આજકાલ આવા ભારદરી વાહનો અટકમાં લઈને દંડનીય કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 9 માં ગોરવા-લક્ષ્મીપુરા વિસ્તારમાં વારંવાર અકસ્માતના બનાવો બનતા તાજેતરમાં તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી કરવી પડી હતી. કારણકે છેલ્લા એક વર્ષમાં ત્રણ ચારે જીવ ગુમાવ્યા છે. સ્વામી વિવેકાનંદ હાઇટ વિભાગ 1 અને 2 ટીપી 10 લક્ષ્મીપુરા પાસે ભારદારી વાહનો અને રેતી ભરેલા ડમ્પરો પુરપાટ નીકળવાનું ચાલુ જ હતું. દિવસમાં બે થી ત્રણ વખત વાહનો અથડાવવાના અને અકસ્માતના બનાવો બનતા હતા.
વોર્ડ નંબર નવના ભાજપના યુવા કોર્પોરેટરના કહેવા મુજબ ગોરવા આઈટીઆઈ થી લોટસ પ્લાઝા ગોત્રીને જોડતો આ રસ્તો ૩૦ મીટર પહોળો છે અને ખુલ્લો પણ છે. આ એ જ રોડ છે જેના માટે અગાઉ આંદોલનો કરવા પડ્યા હતા અને રોડ ખુલ્લો કરાયો છે. આ રોડ પર અસંખ્ય ચોકડી આવેલી છે. જેમ કે સૂર્યા ચોકડી, સ્વામી વિવેકાનંદ ચોકડી, હાઉસિંગ ચોકડી, સપનાના વાવેતર ચોકડી, જૂની લક્ષ્મીપુરા ચોકડી, ગાયત્રી ફાર્મ ત્રણ રસ્તા અને લોટસનો સમાવેશ થાય છે. આ રોડ હતો નહીં ત્યારે લોકોને લાંબુ ચક્કર કાપવું પડતું હતું અને 20 મિનિટનો સમય બગડતો હતો. પરંતુ આ રોડ ખુલ્લો થતાં લોકો પાંચ મિનિટમાં એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે. પરંતુ રોડ ખુલ્લો હોવાથી ભારદારી વાહનો બીજા વાહન ચાલકોની દરકાર લેતા નથી. હજી થોડા સમય પહેલા જ નો-એન્ટ્રીમાં એન્ટર થઈને રેતી ભરેલા ડમ્પર ચાલકે બેદરકારીથી ડમ્પર ચલાવી ડબલ સવારી જતા ટુ વહીલર ચાલકને અડફેટમાં લેતા અકસ્માત કર્યો હતો અને તેના લીધે પાછલા પૈડામાં ચાલક આવી જતા મૃત્યુ થયું હતું. પાછળ બેસેલો ગંભીર ઘાયલ થયો હતો. અહીં ચોકડી કરતા ક્રોસ ની સ્થિતી હોવાથી રાઈટ બાજુથી વાહન આવે તો લેફ્ટ વાળાને ખબર જ ન પડે અને અથડાઈ પડે છે. અકસ્માતના વારંવાર બનાવો અને એમાં પણ છેલ્લે ડમ્પરના એક્સિડન્ટનો જે બનાવ બન્યો તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન અને ટ્રાફિક શાખાની મંજૂરી લઈ તાત્કાલિક ધારા ધોરણ મુજબ ચાર સ્પીડ બ્રેકર બનાવવાનું કામ રાતોરાત કરી સફેદ પટ્ટા મારી દેવામાં આવ્યા હતા.