વડોદરામાં વિશ્વામિત્રી નદીના નાળા પર વસાહતના રહીશોએ બનાવેલો કામ ચલાઉ સાંકડો પુલ મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી નાખ્યો
- કોર્પોરેશનની કામગીરીનો રહીશો દ્વારા વિરોધ કરાયો
- કોર્પોરેશન દ્વારા લોકો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરાઈ
- જોકે લોકો પુલ તૂટતા નાળાના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા
વડોદરા,,તા.2 નવેમ્બર 2022,બુધવાર
મોરબીમાં ૧૪૩ વર્ષ જૂનો ઝૂલતો પુલ તારીખ 30 મી સાંજે અચાનક તૂટી પડતા ૧૫૦ થી વધુના મૃત્યુ થયા છે, ત્યારે વડોદરામાં પણ નાગરવાડા ૫૬ ક્વાર્ટર્સની પાછળ કૃષ્ણનગરના રહીશોએ વર્ષોથી આવજા કરવા માટે નદીના નાળા પર ભંગાર માંથી કામચલાઉ સાંકડો પગદંડી પુલ બનાવ્યો હતો જે ખૂબજ જોખમી હોવાથી કોર્પોરેશન દ્વારા આજે સવારથી તે પુલ તોડી નાખવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આજે સવારે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ તથા સ્થાનિક અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને આ સાંકડો પુલ તોડવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન આ રહીશોને આવજા કરવા માટે કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગઈ રાત્રે કાસમહાલા કબ્રસ્તાનની પાસે બ્રિજની દિવાલ તોડી મેઘદૂત સોસાયટી પાસેથી રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી હતી.
કોર્પોરેશનના કહેવા મુજબ અહીં થી લોકો આવજા કરી શકશે એ ઉપરાંત બીજો પણ એક રસ્તો છે, જેથી કોઈ વાંધો નહીં આવે .બીજી બાજુ સ્થાનિક લોકોએ કહ્યું હતું કે આ બ્રિજ 40 વર્ષથી છે. વર્ષોથી અમે આવજા કરીએ છીએ. મોરબીની ઘટના બની એટલે કોર્પોરેશન નું તંત્ર અહીં તોડવા આવ્યું છે. આ પુલ સરકારે કે કોર્પોરેશને નહીં, પરંતુ લોકોએ, લોખંડની પ્લેટો, લાકડાના પાટિયા વગેરેમાંથી બનાવ્યો છે. જ્યારે ચોમાસામાં નદીમાં પાણી આવે ત્યારે પુલ તુટવાનો ભય રહે છે અને લોકોને તકલીફ પડે છે. લોકોએ એવું કહ્યું છે કે દર ચોમાસામાં નદીમાં પાણી આવતા ૩૦ જેટલા ઘરો સંપર્ક વિહોણા થઇ જાય છે કેમકે પુલ પાણીમાં ગરકાવ થઇ જાય છે. દરમિયાન આજે સવારે આ પુલ તોડી નાખવામાં આવતા લોકોને વિશ્વામિત્રીના નાાળા માં વહેતા ગંદા પાણી વચ્ચેથી પસાર થઈને નીકળવાનો વારો આવી ગયો છે લોકોએ પાકો રસ્તો બનાવી આપવા માંગ કરી છે.