વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ખોદકામ કરતા કેબલ કપાયો પરીક્ષા કેન્દ્રમાં વીજ પુરવઠો ખોરવાયો
પરીક્ષાને અનુલક્ષીને ખોદકામ નહી કરવાની સૂચના છતા કોર્પોરેશનના પાણીપૂરવઠા વિભાગે ખોદકામ કર્યુ
વડોદરા : આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. દરમિયાન આજવારોડ પર આવેલી પરિવાર વિદ્યાલય અને યાકુતપુરાની એમ.એસ.સ્કૂલ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે જ વીજ પુરવઠો બંધ થઇ જતાં વિદ્યાર્થીઓ અને કેન્દ્ર સંચાલકો તકલીફમાં મુકાયા હતા. જો કે વીજ કંપનીના અધિકારીઓએ દોડી જઇને યુધ્ધના ધોરણે કામગીરી કરીને વીજપુરવઠો પુનઃ ચાલુ કર્યો હતો.
વિદ્યાર્થીઓ તકલીફમાં મુકાતા વીજ કંપનીના અધિકારીઓએ યુધ્ધના ધોરણે પુરવઠો શરૃ કર્યો
વીજ કંપનીના અધિકારીઓનું કહેવું છે કે વીજ કંપની અને કોર્પોરેશનના અધિકારીઓનું એક સંયૂક્ત વોટ્સએપ ગૃપ છે જેમાં અપીલ કરવામા આવી છે કે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને અગામી ૧૫ દિવસ સુધી શહેરમાં કોઇ પણ પ્રકારની કામગીરી કરવી નહી કે જેનાથી વીજપુરવઠાને અસર થાય તેમ છતાં આજે આજવારોડ પર બીએસએનલ ઓફિસ પાસે કોર્પોરેશનના પાણીપુરવઠા ખાતા દ્વારા જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યુ હતુ જેથી વીજ કંપનીનો અંડર ગ્રાઉન્ડ કેબલ બ્રેક થતા વીજ પુરવઠો બંધ થયો હતો.